ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ સીએમ સામે ફરિયાદ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં કાર્યવાહી
પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સહિત અન્ય 16 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે
FIR Against Bhupesh Baghel: લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ભૂપેશ બઘેલ વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ભંગ અને બનાવટી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 સંબંધિત વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ભૂપેશ બઘેલ ઉપરાંત મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત અન્ય 16 લોકોના નામ ફરિયાદમાં સામેલ છે.
મહાદેવ એપના માલિક ધરપકડ
મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ કેસ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઈડીએ કેશ કુરિયરનું ઈમેલ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનો દાવો કર્યો, જેમાં ઘટસ્ફોટ થયો હતો કે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને યુએઈ સ્થિત એપ પ્રમોટર્સ પાસેથી રૂ. 508 કરોડ લેવામાં આવ્યા હતા. મહાદેવ એપનો માલિક સૌરભ ચંદ્રાકર કસ્ટડીમાં છે, તેની મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
ભૂપેશ બઘેલે ઈડીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા
ઈડીની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું, 'આ વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે 'મહાદેવ એપ'નો માલિક છે. આશ્ચર્યની વાત એ છે કે મહિનાઓથી આ કેસની તપાસ કરી રહેલી એજન્સી ઈડીને હજુ સુધી આ વાતની જાણ નહોતી અને બે દિવસ પહેલા સુધી ઈડી તેમને મેનેજર ગણાવી રહી હતી. છત્તીસગઢના લોકો બધુ સમજી રહ્યા છે. તે ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી ઈડીને યોગ્ય જવાબ આપશે.'
મહાદેવ એપ શું છે?
મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે રચાયેલ એપ છે. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. એપ દ્વારા ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી રમતોમાં પણ ગેરકાયદે સટ્ટો રમાડવામાં આવતો હતો. ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા આ એપનું નેટવર્ક ઝડપથી ફેલાઈ ગયું અને સૌથી વધુ ખાતા છત્તીસગઢમાં ખોલવામાં આવ્યા. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી. મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી શાખાઓમાંથી ચલાવવામાં આવતી હતી. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દરેક શાખાને ફ્રેન્ચાઈઝી તરીકે વેચતા હતા. યુઝર્સને શરૂઆતમાં જ નફો મળે છે અને પછી નુકસાન. બંનેએ 80% નફો પોતાની પાસે રાખ્યો હતો. સટ્ટાબાજીની એપ રેકેટ એક મશીનની જેમ કામ કરે છે જેમાં એલ્ગોરિધમ નક્કી કરે છે કે જે યુઝર્સ એપમાં પૈસા મૂકે છે તેમાંથી માત્ર 30% જ જીતે છે.