Get The App

કર્ણાટકના CM સિદ્ધારમૈયા વિરુદ્ધ નોંધાઈ FIR, પૂછપરછ માટે બોલાવી શકે છે લોકાયુક્ત પોલીસ

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
કર્ણાટકના CM સિદ્ધારમૈયા વિરુદ્ધ નોંધાઈ FIR, પૂછપરછ માટે બોલાવી શકે છે લોકાયુક્ત પોલીસ 1 - image


FIR File Againt Karnataka CM : કર્ણાટકના મુખ્યમંત્રી એમ. સિદ્ધારમૈયાની સામે મૈસુર લોકાયુક્તે FIR નોંધાવી છે. સિદ્ધારમૈયા સામે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્લોટની ફાળવણીના કથિત કૌભાંડના આરોપમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અદાલતે લોકાયુક્તને સિદ્ધારમૈયાની સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદ મૈસુરના લોકાયુક્ત એસપી ઉદેશના નેતૃત્વમાં નોંધવામાં આવી છે. જેના માટે લોકાયુક્ત ડીજીપી મનીષ ખરબીકર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.

IPC અને CRPC હેઠળ નોંધાયો ગુનો

અદાલતે સિદ્ધારમૈયા સામે સીઆરપીસીના સેક્શન 156(3) હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સિવાય આઈપીસીની ધારા 120B, 166, 403, 420, 426, 465, 468, 340, 351 હેઠળ પણ સિદ્ધારમૈયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હવે આ કેસની તપાસ લોકાયુક્ત પોલીસ દ્વારા કરવામાં આવશે. એફઆઈઆરના આધાર પર સિદ્ધારમૈયાને પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, લોકાયુક્તની પાસે ધરપકડની શક્તિ પણ હોય છે. એવામાં સિદ્ધારમૈયાની ધરપકડની પણ આશંકા છે. જોકે, તે પહેલાં જ કાયદાના નિષ્ણાંતોની સલાહ પર સિદ્ધારમૈયા આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. 

આ પણ વાંચોઃ બળવાખોર અને અપક્ષ ઉમેદવારો બગાડી રહ્યા છે ભાજપ-કોંગ્રેસના સમીકરણ, હરિયાણાની ચૂંટણીમાં નવા-જૂની

કોર્ટના નિર્દેશ પર કરાઈ કાર્યવાહી

ફરિયાદ કરનાર આરટીઆઈ કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાની ફરિયાદ પર કોર્ટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ગુનો દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો. આ કેસના કારણે સિદ્ધારમૈયાની હાલત કફોડી થઈ રહી છે અને તેમના પર પદ છોડવાનું દબાણ પણ વધી રહ્યું છે. જોકે, સિદ્ધારમૈયા સતત તેનો ઈનકાર કરી રહ્યા છે. તેઓએ ગુરૂવારે પણ કહ્યું હતું કે, તે પદ પરથી રાજીનામું નહીં આપે, કારણકે તેમના પર લગાવવામાં આવેલા આરોપો ખોટાં છે અને વિપક્ષ દ્વારા કરાતા કાવતરાં છે.

આ પણ વાંચોઃ 'CBI હવે કર્ણાટકમાં તપાસ નહીં કરી શકે... 'CM સામે કેસની મંજૂરી મળતાં જ સરકારનો નિર્ણય

ખડગેએ કર્યો સિદ્ધારમૈયાનો બચાવ

એટલું જ નહીં, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ સિદ્ધારમૈયાનો બચાવ કરી ચુક્યા છે. ખડગેએ કહ્યું હતું કે, 'આ મામલે કાયદો પોતાનું કામ કરશે. MUDA ના લોકો જે ઈચ્છે તે કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. જરૂરી નથી કે, સરકાર તેમના બધાં સવાલોના જવાબ આપે, કારણ કે તે એક સ્વાયત્ત સંસ્થા હોવાને કારણે કાર્યવાહી કરી શકે છે.'



Google NewsGoogle News