સગીરાની છેડતી-શોષણ મામલે સમાધાનના આધારે FIR રદ ન કરી શકાય...' સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
Image Source: Twitter
Supreme Court On Molestation Case : રાજસ્થાનમાં સગીર વિદ્યાર્થીની સાથે છેડતીના મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમાધાનના આધારે FIR રદ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરોપી શિક્ષક સામે FIR અને કાયદાકીય કાર્યવાહી ફરી શરૂ થવી જોઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કરી દીધો છે. FIR રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટી નાખ્યો છે.
સગીર દલિત વિદ્યાર્થીની સાથે થઈ હતી છેડતી
સુપ્રીમ કોર્ટના મહત્ત્વપૂર્ણ ચુકાદા બાદ આરોપી શિક્ષક વિમલ કુમાર ગુપ્તા વિરુદ્ધ કાર્યવાહીનો રસ્તો સાફ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ ઘટના 2023માં રાજસ્થાનના ગંગાપુર શહેરમાં બની હતી. સરકારી શાળાના શિક્ષકે સગીર દલિત વિદ્યાર્થીની છેડતી કરી હતી. તેના પર સગીરની ફરિયાદ પર POCSO અને SC/ST એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ઝિકા વાયરસનો કેસ પોઝિટિવ આવતા હડકંપ, આરોગ્ય વિભાગ થયું દોડતું
શિક્ષકે સ્ટેમ્પ પેપર પર લખાવી દીધું હતું કે.......
પીડિતાનું CrPC 164 હેઠળ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં આરોપી શિક્ષકે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર પીડિત પક્ષ પર એવું લખાવ્યું હતું કે, પીડિતાએ ગેરસમજમાં શિક્ષક વિરુદ્ધ કેસ દાખ કરાવ્યો છે અને હવે આરોપી શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી ઈચ્છતી. પોલીસે પણ આ સમાધાનના આધાર પર ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દીધો હતો પરંતુ નીચલી અદાલતે પોલીસના રિપોર્ટને ફગાવી દીધો હતો.
સમાજસેવીની અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો
નીચલી કોર્ટના નિર્ણયને આરોપીએ રાજસ્થાન હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આરોપીની અરજી સ્વીકારી FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને એક સમાજસેવી રામજી લાલ બૈરવાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ કેસમાં રાષ્ટ્રીય બાળ અધિકાર પંચે પણ સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપની અરજી દાખલ કરી હતી.