'જય શ્રી રામ'ના સૂત્રોચ્ચાર પર ઘમસાણ! કર્ણાટકમાં ધારાસભ્યો સામે FIR થતાં ભાજપ ભડક્યો
કર્ણાટકમાં ભાજપના બે ધારાસભ્યો સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
Karnataka: કર્ણાટકમાં ભાજપના બે ધારાસભ્યો વેદવ્યાસ કામથ અને વાય ભરત શેટ્ટી સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તમામ પર લોકોને ઉશ્કેરવાનો અને મેંગલુરુની એક શાળાના વિદ્યાર્થીઓને જય શ્રી રામના નારા લગાવવા દબાણ કરવાનો આરોપ છે. હવે આ મામલે ભાજપે કર્ણાટકની સરકારને ઘેરી છે, તો કોંગ્રેસે પણ ભાજપ પર વળતા પ્રહારો કર્યો છે.
ભાજપે કર્ણાટક સરકાર પર આરોપ લગાવ્યો
કર્ણાટક બીજેપી અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ કહ્યું, 'શું જય શ્રી રામના નારા લગાવવા એ લોકતંત્ર વિરોધી છે? સિદ્ધારમૈયાના નેતૃત્વમાં તે (કોંગ્રેસ) ભગવાન રામનું નામ સાંભળીને નારાજ થઈ જાય છે. તેમણે આગામી લોકસભા ચૂંટણીની આશા ગુમાવી દીધી છે અને તેથી જ તેઓ ઉતાવળ બતાવી રહ્યા છે અને ભાજપના નેતાઓ પર કેસ દાખલ કરી રહ્યા છે.'
કોંગ્રેસે વળતો જવાબ આપ્યો
કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદે આ વિવાદ પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'ભાજપના નેતાઓ સાંપ્રદાયિક વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યાં લોકો શાંતિથી જીવી ન શકે...પરંતુ કોંગ્રેસ સરકાર સમાજમાં અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કરનાર દરેક વ્યક્તિ સામે કાર્યવાહી કરશે.'
જાણો શું થ મામલો
ભાજપના ધારાસભ્ય વેદવ્યાસ કામથ અને વાય ભરત શેટ્ટી પર મેંગલુરુની સેન્ટ ગેરોસા ઈંગ્લિશ હાયર પ્રાઈમરી સ્કૂલમાં વિદ્યાર્થીઓને બળજબરીથી જય શ્રી રામ બોલવા માટે મજબૂર કરવાનો આરોપ છે. સ્કૂલ મેનેજમેન્ટે કહ્યું કે, કામથે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને તેના માટે તેમની પાસેથી પરવાનગી પણ લેવામાં આવી ન હતી.' ફરિયાદના આધારે પોલીસે ભાજપના બંને ધારાસભ્યો અને બે કાઉન્સિલર સંદીપ ગારોડી અને ભરત કુમાર અને બજરંગ દળના નેતા શરણ પંપવેલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે હિન્દુઓ અને ખ્રિસ્તી સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા બદલ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવામા આવી છે.