અનામત પર આપેલા નિવેદનના કારણે વધી શકે છે રાહુલ ગાંધીની મુશ્કેલી, ત્રણ જગ્યાએ નોંધાઈ ફરિયાદ
FIR Against Rahul Gandhi: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકા મુલાકાત દરમિયાન અનામત મુદ્દે આપેલું નિવેદન તેમની મુશ્કેલી વધારી શકે છે. રાહુલ ગાંધીના SC-ST અને OBC અનામત પર આપેલા નિવેદન વિરૂદ્ધ ભાજપના અનુસૂચિત જાતિ મોર્ચાના અધ્યક્ષ મોહન લાલ અને અનુસૂચિત જનજાતિ મોર્ચાના સભ્ય સીએલ મીનાએ રાહુલ ગાંધી વિરૂદ્ધ ત્રણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાહુલ ગાંધીના આ નિવેદન પર થયો વિવાદ
જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એક નિવેદન આપ્યું હતું , જેના પર ભારે વિવાદ થયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'જ્યારે ભારત એક નિષ્પક્ષ જગ્યા બની જશે ત્યારે કોંગ્રેસ અનામત ખતમ કરવા વિચાર કરશે. ભારત અત્યારે નિષ્પક્ષ જગ્યા નથી. ભારતમાં 90 ટકા આબાદી દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓની છે, જે આ રમતમાં સામેલ જ નથી.'
જાતિગત વસ્તી ગણતરી અંગે શું કહ્યું હતું?
આ દરમિયાન તેમણે જાતિગત વસ્તી ગણતરી અંગે વાત કરતાં કહ્યું હતું કે, 'જાતિગત વસ્તી ગણતરી આ જાણવાનો પ્રયાસ છે કે, નિચલા અને પછાત વર્ગો તેમજ દલિતોને વ્યવસ્થામાં કઇ રીતે એકઠા કરી શકાશે. ભારતના 200 વ્યવસાયોમાં દેશની 90 ટકા વસ્તીની માલિકી જ નથી. ટોચની અદાલતોમાં પણ તેમની કોઈ ભાગીદારી નથી. મીડિયામાં પણ નીચલી જાતિની ભાગીદારી નથી. જાતિની વસ્તી ગણતરી પાછળનું કારણ એ છે કે અમે સમજવા માંગીએ છીએ કે પછાત લોકો અને દલિતોની સામાજિક અને આર્થિક સ્થિતિ શું છે. અમે ભારતીય સંસ્થાઓને પણ જોવા માંગીએ છીએ જેથી આ સંસ્થાઓમાં આ વર્ગના લોકોની ભાગીદારીનો અંદાજ લગાવી શકાય.'