કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયા સામે FIR : ખુરશી જોખમમાં
- એમયુડીએ જમીન ફાળવણીમાં ગેરરીતિના કેસમાં લોકાયુક્ત પોલીસની કાર્યવાહી
- કોર્ટે મારી વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો છતાં હું રાજીનામું નહીં આપું કારણકે મેં કંઇ પણ ખોટું કર્યુ નથી : સિદ્ધારામૈયા
- વિપક્ષ મારાથી ડરતો હોવાથી મને આ કેસમાં નિશાન બનાવવામાં આવી રહ્યો છે : કર્ણાટકના મુખ્યપ્રધાન
મૈસુર : લોકાયુક્ત પોલીસે શુક્રવારે મૈસુર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (એયુડીએ) જમીન ફાળવણી કેસમાં કોર્ટના આદેશ પછી મુખ્યપ્રધાન સિદ્ધારામૈયા અને અન્યની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે તેમ સત્તાવાર સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બેંગાલુરુની એક વિશેષ કોર્ટે બુધવારે આ કેસમાં સિદ્ધારમૈયાની વિરુદ્ધ લોકાયુક્ત પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. જેનાથી તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની ભૂમિકા તૈયાર થઇ ગઇ હતી.
સ્પેશિયલ કોર્ટના ન્યાયમૂર્તિ સંતોષ ગજાનન ભાટનો આ આદેશ હાઇકોર્ટ દ્વારા રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારામૈયાની વિરુદ્ધ તપાસ કરવાની મંજૂરીને યથાવત રાખવાના આદેશના એક દિવસ પછી આવ્યો હતો.
સિદ્ધારામૈયા પર એમયુડી દ્વારા તેમની પત્ની બી એમ પાર્વતીને ૧૪ સ્થળોએ જમીન ફાળવવામાં અનિયમિતતાનો આરોપ છે.
પૂર્વ અને ચૂંટાયેલા સાંસદો/ધારાસભ્યોથી સંબધિત ગુનાહિત કેસોથી નિરાકરણ માટે રચાયેલ વિશેષ કોર્ટ મૈસુરમાં લોકાયુક્ત પોલીસને આરટીઆઇ કાર્યકર સ્નેહમયી કૃષ્ણા દ્વારા દાખલ ફરિયાદ પર તપાસ શરૂ કરવાના નિર્દેશ આપીને આદેશ જારી કર્યો હતો.
કોર્ટે સીઆરપીસીની કલમ ૧૫૬ (૩) હેઠળ તપાસ કરવા અને ૨૪ ડિસેમ્બર સુધી તપાસ રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ જારી કર્યા હતાં. આ દરમિયાન કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયા શુક્રવારે દાવોે કર્યો છે કે એમયુડીએ કેસમાં તેમને એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યાં છે કારણકે વિપક્ષ તેમનાથી ડરે છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેમની વિરુદ્ધ આ પ્રકારનો પ્રથમ રાજકીય કેસ છે.
મુખ્યપ્રધાને ફરી એક વખત જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં તે રાજીનામું આપશે નહીં કારણકે તેમણે કંઇ પણ ખોટું કર્યુ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે કાયદાકીય રીતે લડાઇ લડશે.