બહુચર્ચિત IAS પૂજા ખેડકરના માતાપિતાની વધી મુશ્કેલીઓ, પોલીસે FIR દાખલ કરી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
બહુચર્ચિત IAS પૂજા ખેડકરના માતાપિતાની વધી મુશ્કેલીઓ, પોલીસે FIR દાખલ કરી 1 - image


છેલ્લા એકાદ સપ્તાહથી ચારેકોર ચર્ચાઈ રહેલ IAS પૂજા ખેડકર સરકારી તપાસના સકંજામાં આવી રહી છે તો બીજી તરફ હવે તેના માતાપિતાની મુશ્કેલીઓ પણ વધી રહી છે. પોલીસે મહારાષ્ટ્ર કેડરના ટ્રેઈની IAS પૂજા ખેડકરની માતા અને પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી માતા, પિતા અને બોડીગાર્ડ સહિત સાત લોકો વિરુદ્ધ પૂણે ગ્રામીણના પાઉન્ડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ લોકો પર ખેડૂતને ધમકાવવાનો આરોપ છે. IAS પૂજા ખેડકરની માતા ખેડૂતોને તેમની જમીન હડપી લેવા માટે હાથમાં પિસ્તોલ સાથે ધમકાવતી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આ એક્શન લેવામાં આવ્યું છે.

ખેડૂતે પોલીસમાં ફરિયાદ કરી :

જોકે આ કથિત વાયરલ વીડિયો એક વર્ષ પહેલાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે માતા મનોરમા, પિતા દિલીપ ખેડકર, અંબાદાસ ખેડકર અને તેમના મેલ-ફીમેલ બોડીગાર્ડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ FIRમાં એક ખેડૂતે તેમના વિરૂદ્ધ હાથમાં પિસ્તોલ લઈને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આર્મ્સ એક્ટની કલમ 323, 504, 506, 143, 144, 147, 148, 149 અને કલમ 3 (25) હેઠળ એફઆઈઆર નોંધી છે.

IAS પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર અગાઉ પ્રદૂષણ વિભાગમાં કમિશનર હતા. આરોપ છે કે નોકરી દરમિયાન તેમણે ઘણી જગ્યાઓ પર ગેરકાયદે કબજો કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરી છે. 

વર્ષ 2023ના કથિત વાયરલ વીડિયોમાં માતાના હાથમાં પિસ્તોલ જોવા મળી રહી છે. ખેડૂતનું કહેવું છે કે દિલીપ ખેડકર મારી જમીન પર કબજો કરવા માંગતા હતા. મેં વિરોધ કરતા તેની પત્ની મનોરમા ખેડકર બોડીગાર્ડ સાથે આવીને દુર્વ્યવહાર કરવા લાગી અને ધમકાવવા લાગી. બાદમાં તેણીએ પિસ્તોલ કાઢીને ધમકી આપી. ખેડૂતોએ જણાવ્યું કે અગાઉ જ્યારે પોલીસમાં તેમની સામે ફરિયાદ કરી હતી ત્યારે દબાણવશ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

પૂજા પણ કેન્દ્રના સકંજામાં :

IAS પૂજા ખેડકર આજકાલ ભારે વિવાદોમાં છે. તેમની સામે વિકલાંગ વર્ગ અને અન્ય પછાત વર્ગોના ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ આરોપોને કારણે તેમની વાશિમ બદલી કરવામાં આવી છે. કેન્દ્રએ આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. ગુરુવારે પૂજાએ રાજ્યના વિદર્ભ ક્ષેત્રમાં વાશિમ જિલ્લા કલેક્ટર કચેરીમાં સહાયક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

આ સિવાય નવી મુંબઈ પોલીસે પૂજા ખેડકર પર સ્ટીલ ચોરીના કેસમાં પકડાયેલા આરોપીને છોડવા માટે પોલીસ પર દબાણ કરવાનો આરોપ મૂક્યો છે. સ્ટીલ ચોરીનો આરોપી IAS પૂજા ખેડકરનો સંબંધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવી મુંબઈ પોલીસે આ મામલે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપ્યો છે.


Google NewsGoogle News