દિલ્હીમાં આજે મતદાન પહેલાં આપ અને ભાજપની સામ-સામે એફઆઈઆર
- દિલ્હીમાં 699 ઉમેદવારોનું ભાવિ સીલ થશે, શનિવારે પરિણામ
- આપને સતત ત્રીજી વખત સત્તાનો આશાવાદ, ભાજપે 25 વર્ષે ફરી ગાદી માટે આકાશ-પાતાળ એક કર્યા
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં બુધવારે મતદાનની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની નજર સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો સંભાળવા પર છે જ્યારે ભાજપે ૨૫ વર્ષ કરતાં વધુ સમય પછી ફરીથી સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે. દિલ્હીમાં આપના ઉદય સાથે હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોગ્રેસ છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી ત્યારે આ વખતે દેશના સૌથી જૂના પક્ષને રાજધાનીમાં પુનરુત્થાનની આશા છે.
અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીને તેના ગવર્નન્સ અને લોક કલ્યાણકારી યોજનાઓની મદદથી ફરીથી સત્તા પર આવવાની આશા છે ત્યારે રાજધાની દિલ્હીમાં બધી જ ૭૦ વિધાનસભા બેઠકો પર બુધવારે સવારે ૭.૦૦ વાગ્યાથી મતદાન શરૂ થશે. અહીં ૧.૫૬ કરોડ મતદારો આવતીકાલે ૬૯૯ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ કરશે. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે અર્ધલશ્કરી દળોની ૨૨૦ કંપની, દિલ્હી પોલીસના ૩૫,૬૨૬ જવાનો અને ૧૯,૦૦૦ હોમગાર્ડ્સને ચૂંટણી ફરજમાં તૈનાત કર્યા છે.
દરમિયાન દિલ્હીમાં મતદાન પહેલાં કાલકાજીમાં ચૂંટણી આચારસંહિતા ભંગ મુદ્દે મુખ્ય મંત્રી આતિશી અને ભાજપના બે નેતાઓ તથા બંને પક્ષોના કાર્યકરો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસે કહ્યું કે, કાલકાજીમાં આપના ઉમેદવાર આતિશીએ તેમના કાર્યકરો સાથે ફતેહસિંહ માર્ગ પર પોલીસ કર્મચારીના કામમાં દખલ કરી હતી. આપ કાર્યકરોએ એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી કરી હતી.
બીજીબાજુ આપ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે ભાજપના બે નેતાઓ સામે એફઆઈઆર કરાઈ છે. આતિશીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, મનિષ રમેશ બિધુડીનો ભત્રીજો છે. તે કાલકાજીનો મતદાર નહીં હોવા છતાં રવિવારે મોડી રાતે આ વિસ્તારમાં ફરી રહ્યો હતો.
દિલ્હીમાં અંદાજે ૩,૦૦૦ મતદાન મથકોને સંવેદનશીલ મથકો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે, જ્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. અહીં ડ્રોન સર્વેલન્સ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. દિલ્હી પોલીસ મુજબ રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંવેદનશીલ મતદાન મથકો માટે વધારાનું પોલીસ દળ તૈનાત કરાયું છે અને ક્વિક રિએક્શન ટીમ પણ ગોઠવાઈ છે.
ચૂંટણી પંચે મતદાન મથકો પર લાંબી લાઈનો ટાળવા ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ (ક્યુએમએસ) એપ રજૂ કરી છે, જે મતદારોને રિયલ ટાઈમ ક્રાઉડની સ્થિતિથી માહિતગાર કરશે. દિલ્હીમાં ઘરેથી જ મતદાન માટે લાયક ૭,૫૫૩ મતદારોમાંથી ૬,૯૮૦એ તેમના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે.
આપે મંદિરના પુજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથીઓ માટે રૂ. ૧૮,૦૦૦ની માસિક નાણાકીય સહાય, ઓટો અને ટેક્સી ડ્રાઈવર્સને વીમો, વિદ્યાર્થીઓ માટે મફત બસ રાઈડ, મહિલાઓને માસિક રૂ. ૨૧૦૦ની નાણાં સહાય સહિતના વચનો આપ્યો છે. બીજીબાજુ ભાજપે ગર્ભવતી મહિલાઓને રૂ. ૨૧,૦૦૦ની નાણાકીય સહાય, રાંધણ ગેસ પર પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦૦ સબસિડી, મહિલાઓને માસિક રૂ. ૨,૫૦૦ નાણાકીય સહાયનું વચન આપ્યું છે. કોંગ્રેસે પણ બેરોજગારોને માસિક રૂ. ૮,૫૦૦ સહિતના વચનો આપ્યા છે.
દિલ્હી પોલીસ મતદારોને ધમકાવતી હોવાનો કેજરીવાલનો આક્ષેપ
નવી દિલ્હી : આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ મંગળવારે મુખ્યમંત્રી આતિશી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે ચૂંટણી પંચને મળ્યા હતા અને વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી પોલીસ દ્વારા મતદારોને ધમકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચૂંટણી પંચ સાથે મુલાકાત પછી કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે ભાજપ અને દિલ્હી પોલીસ મતદારોમાં ભયનું વાતાવરણ સર્જી રહ્યા છે. અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે હિંસા અને મતદારોને ધમકાવવા માટે દિલ્હી પોલીસનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં વિશેષરૂપે ઝુંપડપટ્ટીના મતદારોને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.