સંભલના કોમી તોફાનમાં ૨૫૦૦ લોકો પર એફઆઇઆર, કેમ સંભાળી શકાઇ નહી પરિસ્થિતિ ?
તોફાનો અને પોલીસ ગોળીબારમાં કુલ 4 લોકોના મોત થયા
સંભલમાં લોકડાઉન જેવી શાંતિ છતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
લખનૌ,૨૫ નવેમ્બર,૨૦૨૪,સોમવાર
પશ્ચિમી ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં ગત કાલે રવીવારે સવારે શાહી જામા મસ્જિદનો ફરી સર્વે શરુ થઇ રહયો હતો. એ દરમિયાન મોટી સંખ્યામાં હાજર લોકોએ ફરી થઇ રહેલા સર્વનો વિરોધ કર્યો હતો. કેટલીક અફવાઓ અને સર્વનો વિરોધ થવાથી કેટલાક લોકોએ પથ્થરમારો શરુ કર્યો હતો. ગુસ્સામાં આવી ગયેલા લોકોએ આસપાસ ગાડીઓને આગ લગાડી દીધી હતી.
પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે આંસુ ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો. જોત જોતામાં હિંસા ભડકી ઉઠી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ ઘટના પછી સંભલમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય અટકાવી દેવામાં આવ્યું હતું. બહારથી આવનારા લોકોને રોકવામાં આવ્યા હતા.
પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું કે પોલીસે ૨૫થી વધુ લોકોની ધરપકડ કરી હતી એટલું જ નહી ૨૫૦૦થી વધુ લોકો પર એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જે લોકો પર એફઆઇઆપ ફાડવામાં આવી છે જેમાં સંભલના સાંસદ જિયાઉર્ર રહમાન બર્કનો પણ સમાવેશ થાય છે.
જો કે સાંસદ બર્કનો દાવો હતો કે તેઓ ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડની બેઠકમાં ભાગ લેવા બેંગ્લોર ગયા હતા. પોલીસે તેમની વિરુધ એફઆઇઆર નિવેદનોના આધારે નોંધી હતી. આ નિવેદનોના પગલે જ સંભલમાં હિંસા વધુ ભડકી હતી. પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓનું માનવું હતું કે હિંસામાં કેટલાક બહારના તત્વો સામેલ હતા. આ બહારથી આવેલા પથ્થરબાજોની ઓળખ કરવામાં આવી છે.
એવા વીડિયો પણ બહાર આવી રહયા છે જેમાં પોલીસ અધિકારીઓ ખાસ કરીને બાળકોને હિંસા ના કરે અને કોઇની વાતોમાં આવીને ઉશ્કેરાશો નહી એવી વિનંતી કરી રહયા છે. જો કે માહોલ બગડવાની પુરેપુરી શકયતા હતી તેમ છતાં બહારના તત્વો કેવી રીતે પહોંચ્યા તે મોટો સવાલ બની રહયો હતો. ફરી વાર સર્વે થયા પછી કેટલાકે મસ્જિદને ખોદવામાં આવશે એવી અફવા ફેલાતા તંગદિલી વધી હતી.
પોલીસે બેકાબુ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે ગોળીબાર કરવાની ફરજ પડી હતી જેમાં એક વ્યકિતનું મોત થયું હતું, અત્યાર સુધીની કોમી તંગદિલીમાં ૪ લોકોના મુત્યુ થયા છે. સંભલમાં લોકડાઉન જેવી સ્થિતિમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે. બહારથી આવનારા લોકોને પ્રવેશવા પર ૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મસ્જિદનો સર્વે કરાવવાનો આદેશ તોફાનોનું કારણ બન્યો ?
સંભલમાં પરિસ્થિતિ બગડવા માટે ૧૯ નવેમ્બરના રોજ શાહી જામા મસ્જિદને હરિહર મંદિર ગણાવીને દાખલ થયેલી અરજીના આધારે કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. આદેશના દિવસે જ સર્વે ટીમ મસ્જિદ પહોંચી હતી અને મોડીરાત્રી સુધી સર્વનું કામ પુર્ણ કર્યુ હતું. રવિવારે ૨૪ નવેમ્બરના રોજ સર્વની બાકી રહી ગયેલી કોઇ ખુટતી કાર્યવાહી માટે ફરીથી સંભલ પહોંચી ત્યાર પછી તોફાનીઓએ તોફાન મચાવ્યું હતું. ફરી સર્વેનો વિરોધ થયો હતો એટલું જ નહી મસ્જિદ ખોદવાની છે એવી અફવાએ જોર પકડતા મામલો ગરમ બન્યો હતો.