નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR
Madhya Pradesh News : મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં વહીવટી તંત્રે ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ખેડૂતોને ભારે દંડ ફટકારવાની સાથે ખેતર માલિકો સામે કેસ નોંધવાનું શરુ કરી દીધું છે. બીજી તરફ ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને પરાળીનો નાશ કરવા માટે વ્યવસ્થાની માંગ કરી છે.
ચાર દિવસમાં 770 ખેડૂતોને દંડ
જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું કે, અમે નિયમો અને કાયદા અનુસાર ખેતરોમાં પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. આવી હરકતના કારણે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મેળવનાર ઈન્દોરની હવા પર ખરાબ અસર પડી રહી છે. અન્ય એક વહીવટી અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાં 4 દિવસમાં પરાળી સળગાવવા બદલ 770 ખેડૂતો પર કુલ 16.71 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.
પ્રતિબંધિત આદેશ પણ જારી કરાયા
તેમણે કહ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટે પરાળી બાળવાની ઘટનાઓને રોકવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશ પણ જારી કર્યો છે. પરાળી બાળવાથી પર્યાવરણ, સામાન્ય લોકો અને પ્રાણીઓને થતા નુકસાનને રોકવા માટે આ આદેશ જારી કરાયો છે. પ્રતિબંધક હુકમનું ઉલ્લંઘન કરવા બદલ સંબંધિત ખેતર માલિકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 223 હેઠળ જિલ્લામાં ત્રણ કેસ દાખલ કરાયા છે.
5000 રૂપિયા સુધીનો દંડ
કાયદાકીય જોગવાઈ હેઠળ દોષિતને એક વર્ષ સુધીની કેદ અથવા 5,000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. બીજીતરફ ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કરી વાંધો ઉઠાવી રહ્યા છે. પશ્ચિમ મધ્યપ્રદેશના માલવા-નિમાડ ક્ષેત્રમાં સંયુક્ત કિસાન મોરચાના કન્વીનર રામ સ્વરૂપ મંત્રીએ કહ્યું કે, અમે સહમત છીએ કે ખેતરોમાં પરાળ સળગાવવી ખોટી છે, પરંતુ આવા કિસ્સાઓમાં ખેડૂતોને અચાનક દંડ ફટકારવો અન્યાયી છે. તેમણે માંગ કરી કે, કૃષિ વિભાગના અધિકારીઓ ગામડાંઓની મુલાકાત લે અને પરાળીનો નાશ કરવા માટે અન્ય વ્યવસ્થા કરે.