મંદી અને મોંઘવારીના સળવળાટ વચ્ચે આવતી કાલે નાણામંત્રી બજેટ રજૂ કરશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણનું આ સતત આઠમું બજેટ હશે
મોંઘવારી અને મર્યાદિત વેતન સામે ઝઝુમતા મધ્યમવર્ગને મોટી આશા
નવી દિલ્હી,૩૧ જાન્યુઆરી,૨૦૨૫,શુક્રવાર
મંદી અને મોંઘવારીનો માર સહન કરી રહેલા મધ્યમવર્ગ, ખેડૂત અને કોર્પોરેટ દુનિયાની આશા અને અપેક્ષાઓ જેની સાથે જોડાયેલી છે કેન્દ્રીય બજેટ આવતીકાલે 1 ફેબ્રુઆરીએ સવારે -11 વાગે રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણનું આ સતત આઠમું બજેટ છે. આ પહેલા મોરારજી દેસાઇએ સતત ૬ બજેટ રજૂ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વાર એનડીએ સરકાર બની ત્યાર પછીનું આ બીજુ પૂર્ણ બજેટ હશે. ૨૦૨૪માં લોકસભા ચુંટણી પછી ૨૩ જુલાઇ ૨૦૨૪ના રોજ સરકારે પોતાનું આમ બજેટ રજૂ કર્યુ હતું.
છેલ્લા કેટલાક સપ્તાહો શેર બજાર માટે ભારે ચડાવ ઉતારના રહયા છે. દેશ અને દુનિયામાં મોંઘવારી અને મંદીના એંધાણ વરતાઇ રહયા છે ત્યારે નાણામંત્રીના પટારામાંથી જરુરિયાત મંદ લોકો માટે શું નિકળે છે તેની સૌ કાગડોળે રાહ જોઇ રહયા છે. નોકરીયાત વર્ગ પણ ટેકસમાંથી રાહત માંગી રહયો છે. કૃષિ અને શ્રમ રોજગાર ક્ષેત્રને પણ સકારાત્મક નિર્ણયોની અપેક્ષા છે. મોંઘવારી અને સ્થિર વેતનની વૃધ્ધિ સામે ઝઝુમી રહેલો નોકરીયાત વર્ગ આવકના દરો અને સ્લેબમાં પરિવર્તનની આશા રાખી રહયો છે.
નાણામંત્રી રાજકોષિય ઘટાડાને ઓછો કરવા માટે આર્થિક વર્ષ ૨૦૨૫-૨૬માં બજેટમાં આર્થિક વૃધ્ધિને ટકાવી રાખવા માટે કેટલાક કડક નિર્ણયો પણ લઇ શકે છે. કૃષિ ક્ષેત્રમાં રાહત પેકેજ તથા સબસિડી પણ જાહેર થઇ શકે છે. વર્ષમાં ત્રણ હપ્તામાં ખેડૂતોને બિયારણ-ખાતર જેવી ખેતીની જરુરિયાતો પુરી પાડવા માટે અપાતી કિસાન સન્માન નીધિની રકમમાં પણ વધારો થઇ શકે છે. બજેટમાં સરકારે અર્થતંત્રની મજબૂતીની સાથે લોકોની જરુરીયાત અને આશા અપેક્ષાનો પણ તાલમેલ બેસાડવો પડશે.