નિર્મલા સીતારમણ દિગ્ગજ ગુજરાતી વડાપ્રધાનનો તોડશે રેકોર્ડ, સંસદમાં રજૂ કરશે સતત 7મું બજેટ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
નિર્મલા સીતારમણ દિગ્ગજ ગુજરાતી વડાપ્રધાનનો તોડશે રેકોર્ડ, સંસદમાં રજૂ કરશે સતત 7મું બજેટ 1 - image


Budget 2024 News | કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે  નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે. આ સાથે નિર્મલા સીતારમણ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે અને તેઓ મોરારજી દેસાઈ દ્વારા સતત 6 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ તોડશે. જોકે, સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ હજુ પણ મોરારજી દેસાઈના નામે જ રહેશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી મહિને 65 વર્ષનાં થઈ રહ્યાં છે. તેમને 2019માં ભારતના પહેલાં પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી બનાવાયા હતા. ત્યારથી તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરીને સતત છ બજેટ રજૂ કર્યા હતા. હવે તેઓ સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. મોરારજી દેસાઈએ વર્ષ 1959થી 1964 વચ્ચે સતત પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યા હતા. 

વધુમાં મોરારજી દેસાઈએ અત્યાર સુધીમાં કુલ 10 વખત બજેટ રજૂ કર્યા છે. એ જ રીતે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે નવ વખત જ્યારે પ્રણવ મુખરજીએ આઠ વખત બજેટ રજૂ કર્યા છે. દેશમાં અત્યાર સુધીમાં સૌથી લાંબુ બજેટ ભાષણ નિર્મલા સીતારમણે 1, ફેબ્રુઆરી 2020ના રોજ 2.40 કલાકનું આપ્યું હતું. વર્ષ 1977માં હીરુભાઈ મુળજીભાઈ પટેલનું વચગાળાનું 800 શબ્દોનું ભાષણ સૌથી નાનું બજેટ ભાષણ છે.  નિર્મલા સીતારમણ 20 જૂનથી જ ટ્રેડ યુનિયનો, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રો, એમએસએમઈ, અર્થશાસ્ત્રીઓ અને અન્ય પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. પાછલા પૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ મંગળવારે રજૂ થનારું બજેટ પણ પેપરલેસ હશે.


Google NewsGoogle News