ઝારખંડમાં રોટી, બેટી, માટી બચાવવાની લડાઇ, હિંદુઓની વસ્તી ઘટી : મોદી
- વડાપ્રધાને રૂ. 83,700 કરોડના પ્રોજેક્ટોનું અનાવરણ કર્યુ
- જૂઠની જલેબીઓ પિરસતા પહેલા જૂનો હિસાબ તો આપો : મોદીનો કોંગ્રેસ અને જેએમએમને ટોણો
હજારીબાગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઝારખંડના હજારીબાગમાં પરિવર્તન મહારેલી સંબોધિત કરી હતી. જેમાં તેમણે ઝારખંડની હેમંત સોરેન સરકાર જોરદાર પ્રહારો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ઝારખંડમાં રોટી, બેટી અને માટી બચાવવાની લડાઇ છે. અહીં સતત હિંદુઓની વસ્તી ઘટી રહી છે.
રાજ્ય સરકાર પર પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પણ આદિવાસીઓને આગળ વધવા દીધા નથી. સત્તા જાળવી રાખવા માટે આ લોકો ઝારખંડમાં એક નવી વોટ બેંક તૈયાર કરી રહ્યા છે.
ઝારખંડની બલિ ચઢાવી વોટબેંકની રમત રમવામાં આવી રહી છે. સંથાલ પરગના તેમના ખતરનાક ખેલનો જીવતો જાગતો પુરાવો છે. સંથાલ પરગનામાં આદિવાસી વસ્તી સતત ઘટી રહી છે જ્યારે ઘુસણખોરોની વસ્તી સતત વધી રહી છે.
સ્થિતિ એ છે કે હાઇકોર્ટે પણ આ ગંભીર બાબત અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો કે જેએમએમ સરકાર કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને ઘૂસણખોરીનો ઇનકાર કરે છે. ઘૂસણખોરોની વધતી વસ્તી, આદિવાસી સમાજની ઘટતી સંખ્યા જેએમએમ અને કોંગ્રેસની સત્તાની ભૂખનું પરિણામ છે.
મોદીએ જણાવ્યું હતું કે હું ગેરંટી આપું છું કે ઝારખંડમાં જ્યારે ભાજપની સરકાર બનશે તો રોટી, બેટી અને માટીની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે જેએમએમ જૂઠા વચનોથી પોતાના બચાવવા માંગે છે. જેમણે પાંચ વર્ષ સુધી પ્રજાના હક છીનવી લીધા હવે તે ચૂંટણી વખતે મોટા વચનો આપીને તમારો વિશ્વાસ જીતવા માંગે છે. હું તેમને પ્રશ્ર પૂછવા માંગુ છું કે જૂઠની નવી જલેબી પિરસતા પહેલા જૂનો હિસાબ તો આપો. તેમણે બેકાર યુવાનો બેકારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું તે વચનનું શું થયું. યુવાનોને ભરતીનું વચન આપ્યું હતું તે વચનનું શું થયું.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે ઝરાખંડમાં ૮૩,૭૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું અનાવરણ કર્યુ હતું. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય અને આદિવાસીઓના વિકાસ માટે કટિબદ્ધ છે. આ પ્રોજેક્ટથી વિકાસને વેગ મળશે.