હૈદરાબાદ-સિકંદરાબાદમાં ભીષણ આગનું તાંડવ : 15નાં મોત
- કેમિકલને લીધે લાગેલી આગ પાણીથી બુઝાઈ શકી નહીં તેથી અગ્નિશામક પ્રવાહીથી મહાપ્રયત્ને આગ બુઝાવવી પડી
હૈદરાબાદ : હૈદરાબાદ-સિકંદરાબાદમાં આગનું તાંડવ મચી ગયું હતું. હૈદરાબાદમાં કાર-રીપેરિંગ દરમિયાન એકાએક આગ ફાટી નીકળતાં ૯ લોકોનાં મૃત્યુ થયા હતાં. પ્રાપ્ય માહિતી પ્રમાણે હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં એક કારની મરામત ચાલી રહી હતી તે દરમિયાન બાજુમાં રહેલા કેમિકલના કેરબામાં આગ લાગી ગઈ. તેના પરિણામે ૨૧ લોકો આગની ચપેટમાં આવી ગયા. તે પૈકી ૯ લોકોનાં સારવાર દરમિયાન જ મૃત્યુ થયા હતાં.
આગ લાગવાની માહિતી મળતાં ફાયર બ્રિગેડના બંબા પહોંચી ગયા હતા. પરંતુ કેમિકલને લીધે લાગેલી આગ પાણીથી બુઝાઈ શકી નહીં તેથી ફાયર બ્રિગેડને અગ્નિશામક પ્રવાહીથી મહામહેનતે આગ કાબુમાં લીધી હતી. આ આગથી તે કોમ્પલેક્ષમાં આગ પ્રસરવાની ભીતીને લીધે અગ્નિશાક કરમચારીઓએ સીડી દ્વારા તેઓને નીચે ઉતાર્યા હતા.
હૈદરાબાદમાં આ પૂર્વે ૧૮મી માર્ચે કાલાપથ્થર વિસ્તારમાં અંસારી રોડ પર પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી તે બુઝાવવા ફાયર બ્રિગેડની ૭ ગાડીઓ કામે લગાડવી પડી હતી. આ ઘટના પૂર્વે આશરે ૩૯ કલાકે હૈદરાબાદનાં ઉપનગર સિકંદરાબાદમાં એક કોમ્પલેક્ષમાં આગ ફાટી નીકળી હતી. તેમાં ૬ લોકોનાં મૃત્યુ થયા હતાં.