વિશાખા પટ્ટનમમાં ફીશીંગ હાર્બરમાં ભીષણ આગ 25 યાંત્રિક બોટ ભસ્મ : દરેકનું મૂલ્ય રૂ. 40 લાખ
- એક યાંત્રિક બોટમાં LPG સીલીન્ડર ફાટતાં તે સળગી ઉઠી આગ આજુબાજુની બોટોમાં ફેલાતાં અંધાધૂંધી વ્યાપી ગઇ હતી
વિશાખા પટ્ટનમ : આંધ્ર પ્રદેશનાં વિશાખા પટ્ટનમમાંના ફીશીંગ હાર્બરમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેમાં ૨૫ યાંત્રિક ફીશીંગ બોટસ બળીને ભસ્મ થઈ ગઈ હતી. વાસ્તવમાં રવિવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. જે સોમવાર સવાર સુધી ચાલુ રહી હતી. આ ઘટનાનો વિડીયો પણ અત્યારે ઝડપભેર વાયરલ થઈ રહ્યો છે. આગ જોતાં જ બંદર ઉપર રહેલા સ્થાનિક માછીમારોએ તુર્ત જ પોલીસને ફોન કરી તેની જાણ કરી હતી.
પ્રાપ્ય માહિતી પ્રમાણે, આ ૨૫ બોટો પૈકી એકમાં એલપીજી સીલીન્ડર ફાટતા આગ ભભૂકી ઊઠી અને સીલીન્ડર ફાટતાં જોરદાર ધડાકો પણ થયો. આ સાથે કોઈ કશું સમજી શકે તે પહેલા તો જ્વાળાઓ ફેલાવા લાગી. તેથી આજુબાજુની ૨૫ ફીશીંગ બોટ મૂળભૂત રીતે તો લાકડાની બની હોય છે. તેમાં પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરાયો હોય છે. તેથી આગ ઝડપભેર ફેલાઈ રહી. જો કે, એલપીજી સીલીન્ડર કેમ કરીને ફાટયું તે વિષે કોઈ માહિતી પ્રાપ્ય નથી. તેમજ તેમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તેની પણ માહિતી હજી પ્રાપ્ત થઈ નથી. તેમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ આનંદ રેડ્ડીએ જણાવ્યું હતું.
ડીસીપી રેડ્ડી એ વધુમાં જણાવ્યું હતું કે, 'આગની માહિતી મળતાં જ અમે ૪ લાઇબંબા રવાના કરાવી દીધા હતા. છતાં આગ પૂરી કાબૂમાં ન આવતાં બીજા ચાર લાઈબંબા પણ રવાના કરાયા હતા.
ડીસીપી આનંદ રેડ્ડીએ વધુમાં કહ્યું કે, સહજ રીતે આ આગથી અફડા તફડી વ્યાપી ગઈ હતી. તે ફીશીંગ બોટસ લાકડા અને પ્લાસ્ટિકની બનેલી હોવાથી લગભગ ભસ્તીભૂત થઈ ગઈ છે.