PHOTO : ફેંગલ વાવાઝોડાએ વેર્યો વિનાશ: ભારત-શ્રીલંકામાં 19ના મોત, વરસાદનો 30 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
Fengal Cyclone : ફેંગલ વાવાઝોડાએ ભારત અને શ્રીલંકામાં મોટો વિનાશ વેર્યો છે. આ આફતના કારણે 19 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતની વાત કરીએ તો, તમિલનાડુ અને પુડુચેરીમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે, જેના કારણે ત્યાંના લોકોની હાલત કફોડી બની ગઈ છે. પુડુચેરીમાં તો વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય હવામાન વિભાગના જમાવ્યા મુજબ, ફેંગલ વાવાઝોડાએ ભારતનો દક્ષિણ કિનારો અને બંગાળની ખાડી પાર કર્યા બાદ ભારે તબાહી મચાવી છે. પુડુચેરીમાં 24 કલાક જેટલો વરસાદ પડ્યો, તેટલો વરસાદ છેલ્લા 30 વર્ષમાં પડ્યો નથી.
તમિલનાડુ, પુડુચેરી અને ચેન્નાઈમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે, જેના કારણે લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા બહાર પણ આવી શકતા નથી. ચોતરફ પાણી ભરાવાના કારણે સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું છે. તો અનેક જગ્યાએ લાઈટો પણ ગુલ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
વાવાઝોડાના કારણે એરલાઈન્સ કંપનીઓ પણ એલર્ટ મોડ આવી ગઈ હતી. ભયંકર નુકસાન ન થાય તેને ધ્યાને રાખી અનેક ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. ચેન્નાઈ શનિવારે કેટલીક ફ્લાઈટોને અસર થયા બાદ રવિવારથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. જોકે ચેન્નાઈમાં અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત્ છે. અહીં પૂરના પાણી ભરાતા વાહનચાલકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.
વાવાઝોડા બાદના સંકટના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. અહીં વાવાઝોડાની અસરના કારણે ઝડપી ગતિએ ભારે પવન ફૂંકાયો હતો, જેમાં અનેક વૃક્ષોનો નાશ થયો છે. આ ઉપરાંત અનેક વિજળીના અને ટેલિફોનના થાંભલા તૂટી ગયા છે તેમજ અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન થયું છે.
ફેંગલ વાવાઝોડાને ધ્યાને રાખી NDRF, SDRF સહિત સ્થાનિક પોલીસના જવાનો પણ ખડેપગે ઉભા રહી લોકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય સેના પુડુચેરીનાં લોકોને વાવાઝોડાથી બચાવવા માટે સતત કામગીરી કરી રહી છે.
શ્રીલંકાની વાત કરીએ તો, અહીં વાવાઝોડાના કારણે 16 લોકોના મોત થયા છે. અહીં ભયંકર સંકટ આવી ચઢવાના કારણે 1.38 લાખથી વધુ લોકોને અસર થઈ છે. શ્રીલંકન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના લોકો દ્વારા બચાવ અને રેસ્ક્યૂની સતત કામગીરી ચાલી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કર્ણાટકના દરિયાકાંઠે અને દક્ષિણ કર્ણાટકમાં બયાનક વરસાદ પડ્યો છે, જ્યારે ત્રણ ડિસેમ્બરના રોજ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. આઈએમડીએ તમિલનાડુ અને પુડુચેરીમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.
IMDએ ફેંગલ વાવાઝોડું ત્રીજી ડિસેમ્બરના રોજ નબડુ પડવાની આગાહી કરી છે. વાવાઝોડું દક્ષિણ-પૂર્વ તરફ ફંટાવાની શક્યતા છે. હાલ વાવાઝોડાની આફતમાંથી બચવા માટે તમિલનાડુના કુડલોર, વિલ્લુપુરમ, કૃષ્ણાગિરીની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે.
વાવાઝોડાની સ્થિતિ જોઈ સ્થાનિક વૃદ્ધોનું કહ્વું છે કે, તેઓએ આવી તબાહી છેલ્લા 30 વર્ષમાં ક્યારેય જોઈ નથી. આ ખૂબ જ ભયાનક સ્થિતિ હતી. આ વાવાઝોડના કારણે ઘણું નુકસાન થયું છે.