VIDEO: કુનો નેશનલ પાર્કથી ગુડ ન્યૂઝ, માદા ચિત્તા ગામિનીએ આપ્યો પાંચ બચ્ચાને જન્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્તા પ્રોજેક્ટની શરૂઆત કરી હતી
Female Cheetah Gave Birth To 5 Cubs: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ગામિનીએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે 'X' પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરીને આ માહિતી આપી છે. પાંચ બચ્ચાના જન્મ સાથે, કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની સંખ્યા હવે વધીને 26 થઈ ગઈ છે.
ભારતમાં ચિત્તાના બચ્ચાની સંખ્યા વધીને 13 થઈ
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે 'X' પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ 'X' પર લખ્યું, 'હાઈ ફાઈવ, કુનો! દક્ષિણ આફ્રિકાથી આવેલી 5 વર્ષની ગામિની ચિત્તાએ આજે પાંચ બચ્ચાને જન્મ આપ્યો છે. હવે આ પછી ભારતમાં ચિત્તાના બચ્ચાની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. ભારતીય ધરતી પર ચિત્તાનો ચોથો વંશ છે અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ ચિત્તાનો પ્રથમ વંશ છે. બધાને અભિનંદન, ખાસ કરીને વન અધિકારીઓ, પશુચિકિત્સકો અને ફિલ્ડ સ્ટાફની ટીમ કે જેમણે ચિત્તાઓ માટે તણાવમુક્ત વાતાવરણ પ્રદાન કર્યું છે. કુનો નેશનલ પાર્કમાં બચ્ચા સહિત ચિત્તાની કુલ સંખ્યા 26 થઈ ગઈ છે.'
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્તા પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ અંતર્ગત બે તબક્કામાં 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા, પહેલા નામિબિયાથી અને પછી દક્ષિણ આફ્રિકાથી. જો કે અલગ-અલગ સમયે સાત ચિત્તાના મોત થયા છે.