કર્ણાટકમાં ભ્રષ્ટાચાર સામે દારૂના વેપારીઓ ભડક્યાં, 10 હજારથી વધુ દુકાનો બંધ રાખવાનું એલાન
Karnataka News: કર્ણાટકના ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસોસિએશને રાજ્યમાં સ્થિત 10800થી વધુ ખાનગી દારૂની દુકાનોને 20 નવેમ્બરે બંધ પાળવા આદેશ આપ્યો છે. આબકારી વિભાગે કથિત રૂપે ભ્રષ્ટાચાર અને સરકાર દ્વારા તેમની માગ પર ધ્યાન ન આપવાના વિરોધમાં બંધનું એલાન જાહેર કર્યું છે. આ બંધના કારણે કર્ણાટકમાં તમામ ખાનગી દારૂની દુકાનો બંધ રહેશે, માત્ર સરકારી દુકાનો ખુલ્લી રહેશે. એસોસિએશને કર્ણાટક આબકારી અધિનિયમની કલમ 29માં સુધારા કરવાની માગ કરી છે. જે સરકારી અધિકારીઓને આબકારી લાયન્સ તથા પરમિટ રદ કરવાનો હક આપે છે.
એસોસિએશનની માગ
એસોસિએશને રાજ્યના આબકારી વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા નિર્દેશ કર્યો છે, તેમજ તેનો નાણા મંત્રાલયમાં વિલય કરવા અપીલ કરી છે. કર્ણાટક રાજ્ય પર્યટન હોટલ માલિક સંઘે એસોસિએશનના નિર્ણયનું પાલન કરવાનો ઈનકાર કર્યો છે. ફેડરેશન ઓફ વાઈન મર્ચન્ટ એસોસિએશનના મહાસચિવ બી. ગોવિંદરાજ હેગડેએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમની માગ સંતોષવા માટે એક બેઠક કરવી જોઈએ. જો કે, વિભાગ પાસે બજેટ ન હોવાથી તેમણે નાણા મંત્રાલયના નિયંત્રણ હેઠળના નાણા વિભાગમાં આબકારી વિભાગનો વિલય કરવો જોઈએ.
મુખ્યમંત્રીને કરી અપીલ
એસોસિએશને માગ કરી હતી કે, મુખ્યમંત્રી તેમના આ મુદ્દાઓના ઉકેલ માટે બેઠક બોલાવે અને ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરે. અન્ય એક માગમાં દારૂના વેચાણ પર પ્રોફિટ માર્જિન 20 ટકા સુધી વધારવાની ગેરેંટી, સીએલ-2 લાયસન્સ ધરાવતી રિટેલ દુકાનોમાં દારૂનો પુરવઠો રાખવાની મંજૂરી તેમજ સીએલ-9 બાર રેસ્ટોરન્ટમાં વધારાના કાઉન્ટર ઉભા કરવાની મંજૂરી માગી છે.
હોટલ સંઘનો વિરોધ
કર્ણાટક રાજ્ય પર્યટન હોટલ માલિક સંઘના સચિવ ગોવિંદા કૌલાગીએ વાઈન મર્ચન્ટ એસોસિએશન પર તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા વિના 20 નવેમ્બરે દારૂની દુકાનો-બાર બંધ રાખવાની જાહેરાત કરી છે. જે એકતરફી નિર્ણય છે. અમે આ ક્ષેત્રે મોટોપાયે રોકાણ કર્યું છે. અમે વધારાની વાર્ષિક ડ્યૂટી પણ ચૂકવીએ છીએ. જેમાં ઘટાડો કરવા ઉપરાંત અમને પણ પ્રોફિટ માર્જિનમાં 20 ટકા હિસ્સો આપવાની માગ છે.
હેગડેએ મૂક્યો હતો આરોપ
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પ્રચારમાં હેગડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યો હતો કે, કર્ણાટકમાં દારૂના વેપારીઓ પાસેથી ચૂંટણી પેટે રૂ. 700 કરોડની લાંચ લેવામાં આવી છે. આ આરોપને પાયાવિહોણા ગણાવી મોદીએ જવાબ આપ્યો હતો કે, અમારા કોઈપણ પદાધિકારીએ કોઈ લાંચ લીધી નથી.