હિમાચલમાં 'ઓપરેશન લોટસ'ની આશંકા, નવ ધારાસભ્યો હરિયાણામાં
- કોંગ્રેસના 6 અને 3 અપક્ષ ધારાસભ્યોનો ભાજપને ટેકાની શક્યતા
- ભાજપે સીઆરપીએફ અને હરિયાણા પોલીસના બળે અમારા ધારાસભ્યોનું અપહરણ કર્યું : સીએમ સુખવિંદર સુખ્ખુનો દાવો
શિમલા : હિમાચલ પ્રદેશમાંમાં રાજ્યસભાની એક બેઠકની ચૂંટણીમાં નવ ધારાસભ્યોના ક્રોસ વોટિંગના કારણે સુખ્ખુ સરકાર જોખમમાં મુકાઈ છે. કોંગ્રેસના ૬ સહિત ૯ ધારાસભ્યો હરિયાણા પહોંચ્યાનો વીડિયો સામે આવ્યો છે. ક્રોસ વોટિંગના પગલે આખો દિવસ હિમાચલમાં રાજકીય વાતાવરણ ગરમ રહ્યું હતું. બીજીબાજુ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ ભાજપ પર પક્ષના કેટલાક ધારાસભ્યોના અપહરણ કરવાનો આક્ષેપ કર્યો છે. સીઆરપીએફના બળે ધારાસભ્યોને પંચકુલા લઈ જવાયાનો સુખ્ખુએ દાવો કર્યો હતો.
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક પર મંગળવારે ચૂંટણી પરિણામો જાહેર થતા પહેલાં જ રાજકીય ઘમાસાન મચી ગયું હતું. સત્તા પક્ષ અને વિપક્ષના નેતા એકબીજા પર શાબ્દિક હુમલા કરી રહ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ ભાજપ પર તેમના ધારાસભ્યોના અપહરણ કરવાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે વિધાનસભા પરિસરમાં કહ્યું કે, તેમના કેટલાક ધારાસભ્યોને સીઆરપીએફની મદદથી હરિયાણા લઈ જવાયા છે. તેમને લઈ જતી બસના ફૂટેજ પણ અમને મળ્યા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારા પાંચ-છ ધારાસભ્યોને સીઆરપીએફ અને હરિયાણા પોલીસ લઈ ગઈ છે. આ બધું ભાજપ કરાવી રહ્યો છે. ધારાસભ્યોના પરિવારજનો તેમનો સંપર્ક કરી રહ્યા છે. લોકતંત્રમાં પક્ષ અને વિપક્ષ બંને રહે છે, પરંતુ વિપક્ષ હિમાચલ પ્રદેશમાં ગુંડાગીરી પર ઉતરી આવ્યો છે. વિપક્ષના આ કરતૂતોનો હિમાચલની જનતા ક્યારેય સ્વીકાર નહીં કરે. મતગણતરી વચ્ચે વિપક્ષના નેતા કાઉન્ટિંગ હોલમાં આવીને કાઉન્ટિંગ અધિકારીઓને ધમકાવી રહ્યા છે. આ વાતાવરણ લોકતંત્ર માટે સારું નથી.
આ પહેલાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને મત આપ્યા પછી ધારાસભ્યોને પક્ષની વિચારધારાને અનુરૂપ મતદાન કરવા કહ્યું હતું. વિધાનસભામાં અમારા ૪૦ ધારાસભ્યો છે. ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા ના હોય તો બધા જ મત અમને મળશે. બીજીબાજુ વિપક્ષના નેતા જયરામ ઠાકુરે કહ્યું કે, મત આપવો ધારાસભ્યોનો લોકતાંત્રિક અધિકાર છે. ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાઈ આવે તે જરૂરી નથી. મુખ્યમંત્રી અને વિપક્ષના નેતાના નિવેદનો સામે આવતા જ હિમાચલમાં ક્રોસ વોટિંગની અટકળો તેજ થઈ ગઈ હતી.
હિમાચલ પ્રદેશમાં પરિણામ જાહેર થયા પછી ભાજપે સુખ્ખુ સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાનો દાવો કર્યો હતો. જયરામ ઠાકુરે કહ્યું કે, આવતીકાલે બજેટ રજૂ થશે. બજેટ પર ચર્ચા કર્યા પછી અમે રાજ્યપાલને મળીશું. હિમાચલમાં ૬૮ સભ્યોની વિધાનસભામાં હાલ કોંગ્રેસ પાસે ૪૦ સભ્યો છે જ્યારે ભાજપ પાસે ૨૫ સભ્યો છે તથા ત્રણ અપક્ષનો કોંગ્રેસને ટેકો છે. પરંતુ મંગળવારે રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસના ૬ અને ત્રણ અપક્ષ ધારાસભ્યોને ભાજપ પંચકુલા લઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને પગલે વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોની સંખ્યા ૩૪-૩૪ થઈ શકે છે જ્યારે બહુમતી માટે કોઈપણ પક્ષને ૩૫ સભ્યોની જરૂર પડે છે.