પાર્ટીમાં બળવાના ડરથી શિંદે ભાજપ સામે ઝૂક્યા! કેમ CM અને ગૃહમંત્રી પદનો પણ મોહ છોડ્યો?
Maharashtra Politics : લગભગ 29 મહિના બાદ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી શિવસેનાના એકનાથ શિંદે પાસેથી હવે ભાજપ પાસે આવી ગઈ છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. એકનાથ શિંદે હવે સરકારમાં નંબર-2ની ભૂમિકા ભજવશે. તેનું કારણ શિંદે પાસે ઓછી બેઠકોની સંખ્યા જણાવવામાં આવી રહી છે. પરંતુ જ્યારે વર્ષ 2022માં એકનાથ શિંદેએ શિવસેના સામે બળવો કર્યો હતો ત્યારે પણ તેમના ધારાસભ્યોની સંખ્યા ભાજપના ધારાસભ્યો કરતાં ઓછી જ હતી. પરંતુ તેમ છતાં એ સમયે તેમને સીએમની ખુરશી મળી હતી.
એટલું જ નહીં બિહારમાં જનતા દળ યુનાઇટેડ(JDU) પાસે ભાજપ કરતાં ઓછી બેઠકો છે. આમ છતાં નીતિશ કુમાર મુખ્યમંત્રીની કમાન સંભાળી રહ્યા છે. આ સ્થિતિમાં જે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે તે એ છે કે એકનાથ શિંદેએ કઈ ભૂલ કરી જેના કારણે તેમને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું?
શિંદે સેનામાં ભાજપ સમર્થિત ધારાસભ્યો
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિંદેની સેનાએ 57 બેઠકો જીતી હતી. જેમાંથી 14 ધારાસભ્યોને ભારતીય જનતા પક્ષને સમર્પિત હતા. જીતેલા છ ધારાસભ્યો ઘોષિત રીતે ભાજપના ધારાસભ્ય છે. તેમાં પાલઘરના રાજેન્દ્ર ગાવિત, કુડલના નિલેશ રાણે, અંધેરી(પૂર્વ)ના મુરજી પટેલ, સાંગનમેરના અનમોલ ખતાલ, નેવાસાના વિઠ્ઠલ લાંગે અને બોઈસરના વિલાસ તારેના નામો મુખ્ય છે.
શું શિંદે ભાજપ સામે બળવો કરી શકે?
ચૂંટણી પહેલા શિંદેએ 4 અપક્ષોને પણ ટિકિટ આપી હતી. જેઓ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ અપક્ષોને પણ ટિકિટ અપાવવામાં ભાજપની ભૂમિકા હોવાનું કહેવાય છે. આ સ્થિતિમાં જો શિંદે ભાજપ સામે બળવો કરે છે તો આ ધારાસભ્યોનું સમર્થન ગુમાવી શકે છે. વર્ષ 2022માં બિહારમાં મુકેશ સહની સાથે આવું જ બન્યું છે. સહનીના તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના પછી સહની ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
અજિત પવાર શિંદે માટે નુકસાનકારક
વર્ષ 2022માં તત્કાલીન શિવસેના(શિંદે) અને ભાજપે સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ બરાબર એક વર્ષ પછી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારને પણ પોતાની સાથે જોડી લીધા હતા. અજિતનું સાથે આવવું શિંદે માટે નુકસાનકારક સાબિત થયું હતું. અજિતના કારણે શિંદે ભાજપ પર રાજકીય દબાણ ઊભું કરી શકતા નથી.
વિરોધ છતાં ફડણવીસે અજિત સાથે કર્યું ગઠબંધન
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. હાલમાં ભાજપ પાસે 132 ધારાસભ્યો છે. અજિત પવારે 41 બેઠકો જીતી છે. અને શિંદે પાસે હાલમાં 57 ધારાસભ્યો છે. પરંતુ જો તેઓ સમર્થન પાછું ખેંચી લેશે તો પણ સરકાર પર કોઈ આંચ આવશે નહીં. જ્યારે અજિત એનડીએમાં જોડાયા ત્યારે તેમની સામે મૌન વિરોધ થયો હતો. પરંતુ ફડણવીસે તેની મજબૂત હિમાયત કરવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મેગેઝિન ઑર્ગેનાઇઝરે પણ અજિતનો વિરોધ કર્યો હતો. ત્યારે પણ શિંદે તેને ગઠબંધનમાં મુદ્દો બનાવી શક્યા ન હતા. ચૂંટણી પછી જ્યારે શિંદે તેમના ગામ ગયા અને તેમની નારાજગીના સમાચાર સામે આવ્યા ત્યારે અજિત સક્રિય થઈ ગયા હતા.
શિંદે નીતિશ કુમાર જેવું ન કરી શક્યા!
બિહારમાં નીતિશ કુમાર દરેક ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે પોતાના નામની જાહેરાત કરાવી દે છે. વર્ષ 2015માં પણ જ્યારે નીતિશ લાલુપ્રસાદ સાથે હતા, ત્યારે પણ તેમણે મુખ્યમંત્રી માટે પોતાના નામની જાહેરાત કરાવી દીધી હતી. વર્ષ 2020માં ભાજપે પણ નીતિશના ચહેરા હેઠળ વિધાનસભાની ચૂંટણી લડી હતી.
અહીં રસપ્રદ વાત એ છે કે, આગામી વર્ષ 2025માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ નીતિશે એનડીએ ગઠબંધનમાં સીએમ પદ માટે પોતાના નામની જાહેરાત કરી દીધી છે. મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે આવી જાહેરાત કરી શક્યા ન હતા. ચૂંટણી પહેલા તેમણે પોતાનો ચહેરો આગળ ન રાખ્યો. હવે ચૂંટણી બાદ ભાજપે બેઠકોની ફોર્મ્યુલાના આધારે સીએમની ખુરશી પર દાવો કર્યો હતો. મુખ્યમંત્રી કોણ બનશે તેનું નામ અગાઉથી નક્કી કરવામાં આવ્યું ન હતું. તેથી શિંદે કંઈ કરી શક્યા નહીં.
આ પણ વાંચો : મુખ્યમંત્રી બનવાની સાથે આ ખાસ મંત્રાલય પણ ફડણવીસ જ રાખશે, શિંદેને હવે શું મળશે? જાણો
ફડણવીસે શિંદેનું કદ ઓછું કરવા કર્યું કાવતરું?
ભાજપે હવે દેવેન્દ્ર ફડણવીસને સીએમ તરીકે નિયુક્ત કર્યા છે. ફડણવીસ મહારાષ્ટ્રમાં ભાજપનો ચહેરો છે અને વર્ષ 2014થી 2019 સુધી મુખ્યમંત્રી પણ રહ્યા હતા. વર્ષ 2022માં જ્યારે શિંદે મુખ્યમંત્રી બન્યા ત્યારે ફડણવીસને સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. આ પછી જ ફડણવીસે રાજકારણની ચાલ રમવાનું ચાલુ રાખ્યું હતું.
એનડીએમાં એકનાથનું રાજકીય કદ ઓછું કરવા ફડણવીસે અજિત પવારને પોતાની સાથે લીધા હતા. વર્ષ 2024ની વિધાનસભા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ હતો ત્યારે ભાજપે ધીમે ધીમે ફડણવીસનું નામ આગળ કર્યું હતું. આ પછી ફડણવીસે સમગ્ર ચૂંટણીમાં લગભગ 56 રેલીઓ યોજી હતી. જે કોઈપણ રાજ્ય સ્તરના નેતા દ્વારા કરવામાં આવેલી સૌથી વધુ રેલીઓ હતી.