મહારાષ્ટ્રમાં ઑપરેશન લોટસના ભણકારા! વિપક્ષની ધારાસભ્યોને બીજા રાજ્યમાં મોકલવાની તૈયારી
Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થયા છે. એક્ઝિટ પોલ્સના અંદાજને ધ્યાનમાં લેતાં સૌ કોઈ અસમંજસમાં મૂકાયા છે, તેમાં પણ જો બંને ગઠબંધન પાસે 19-20ના તફાવતે બેઠકો આવી તો સરકાર બનાવવામાં અડચણો આવી શકે છે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી પોતાના સમર્થક પક્ષોના તમામ ધારાસભ્યોને જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ સમર્થક ગઠબંધન 'ઑપરેશન લોટસ' શરુ કરે તેવી ભીતિ વિપક્ષમાં જોવા મળી છે.
ધારાસભ્યોને ભાજપની નજરથી દૂર રાખવામાં આવશે
સંજય રાઉત, કોંગ્રેસ નેતા બાળાસાહેબ થોરાટ અને એનસીપી-સપાના જયંત પાટિલે ગઈકાલે બેઠક યોજી આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમને ભય છે કે, જો બંને ગઠબંધનોને નજીવા તફાવત સાથે બેઠકો મળી તો ભાજપ અને એકનાથ શિંદે બીજા પક્ષોના નેતાઓને ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. જેથી તેમણે મોટાભાગના ધારાસભ્યો અને નેતાઓને કોંગ્રેસ શાસિત રાજ્યો તેલંગાણા, કર્ણાટકમાં મોકલી દેવાનો નિર્ણય લીધો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ શનિવાર સાંજે આ ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલી દેવામાં આવશે.
નાના અને અપક્ષ નેતાઓનો પણ સંપર્ક
ધારાસભ્યોને બહારથી ત્યારે જ પાછા બોલાવવામાં આવશે, જ્યારે સરકાર બનાવવાનો દાવો કોઈ એક ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવે. તદુપરાંત અપક્ષ અને નાના પક્ષના નેતાઓનો પણ સંપર્ક કરી શકે છે. જેથી ગઠબંધનના ટોચના પક્ષો પહેલાંથી જ ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે, અમારી જ સરકાર બનશે, એક્ઝિટ પોલ્સ ફરી એક વખત ખોટા સાબિત થશે. જો પરિણામ રસાકસીભર્યું રહ્યું તો ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલી દેવાશે.
પરિણામ સુધી થોભો અને રાહ જુઓની નીતિ
આ ધારાસભ્યોને ક્યાં મોકલવામાં આવશે, તે મુદ્દે હજી સ્પષ્ટતા થઈ નથી. પરંતુ તેમને કોંગ્રેસ શાસિત રાજ્યો તેલંગાણા અને કર્ણાટકમાં મોકલી શકે છે. જેથી ત્યાં પોલીસની મદદ અને હોટલ્સની વ્યવસ્થા કરી શકાય. જો કે, હાલ તમામ પક્ષો પરિણામ આવે નહીં ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે, લાડલી બહેન યોજનાનો લાભ ભાજપને થશે. તેમજ વધુ પડતું મતદાન પણ ભાજપ અને મહાયુતિને લાભ થવાનો સંકેત આપે છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, વધુ મતદાન હંમેશાથી અમારા માટે લાભદાયી રહ્યું છે.