Paytm પેમેન્ટ્સનું ચીન કનેક્શન ! એન્ટ ગ્રૂપના રોકાણ મામલે સરકારે તપાસ શરૂ કરી

RBIએ શટલ પાડ્યા બાદ કેન્દ્ર સરકારે પણ કાર્યવાહી શરૂ કરી

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
Paytm પેમેન્ટ્સનું ચીન કનેક્શન ! એન્ટ ગ્રૂપના રોકાણ મામલે સરકારે તપાસ શરૂ કરી 1 - image


Chinese Firm Investment in Paytm Payments Bank : પેટીએમ માટે એક સાંધો ત્યાં સત્તર તૂટેની સ્થિતિ છે. સૌથી મોટા આઈપીઓના ફિયાસ્કાનો કાળો ડાઘ દૂર થાય તેવામાં અનેક વિખવાદો કંપની આસપાસ બનતા રહ્યાં અને હવે તો આરબીઆઈએ લાદેલા પ્રતિબંધ સૌથી મોટી ઘાત બની શકે છે. દેશમાં ડિજિટલાઈઝેશનનો પાયો નાખનાર પેટીએમના લગભગ વળતા પાણી જોવાઈ રહ્યાં છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને 31મી જાન્યુઆરીએ મોટો ફટકો આપતા નવા કારોબાર માટે રોક લગાવી દીધી છે, ત્યારે હવે કેન્દ્ર સરકારે પેટીએમ સામે ચાઈનીઝ રોકાણ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

Paytm પેમેન્ટ્સનું ચીન કનેક્શન, સરકારે તપાસ શરૂ કરી

સરકારે વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (One 97 Communications Ltd)ની પેટા કંપની પેટીએમ પેમેન્ટ્સ સર્વિસિઝ લિમિટેડ (Paytm Payments Services Limited-PPSL)માં ચીનથી સીધુ વિદેશી રોકાણ થતું હોવા મામલે તપાસ કરી રહી છે. પીપીએસએલએ પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા નવેમ્બર-2020માં આરબીઆઈ પાસે લાઈસન્સ મેળવવા અરજી કરી હતી.

ચાઈનીઝ ફર્મ એન્ટી ગ્રૂપનું OCLમાં રોકાણ

જોકે કેન્દ્રીય બેંકે નવેમ્બર-2022માં અરજી રદ કરી હતી. ચાઈનીઝ ફર્મ એન્ટી ગ્રૂપે વન97 કોમ્યુકેશન લિમિટેડ (OCL)માં રોકાણ કર્યું છે, તેથી લાઈસન્સ મેળવવા FDIના નિયમો હેઠળ પ્રેસ નોટ ત્રણનું પાલન કરવું જરૂરી હોવાથી આરબીઆઈએ પીપીએસએલને ફરી અરજી કરતા કહ્યું હતું. ત્યારબાદ કંપનીએ 14 ડિસેમ્બર-2022ના રોજ અરજી દાખલ કરી હતી.

સરકારે વિદેશી રોકાણ મામલે બનાવ્યા નવા નિયમ

પ્રેસ નોટ ત્રણ મુજબ ભારતનાં કોઈપણ ક્ષેત્રમાં વિદેશી રોકાણ કરતા પહેલા કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજીયાત બનાવી હતી, જેનો મુખ્ય હેતુ કોરોના મહામારી પછી સ્થાનિક કંપનીઓના અધિગ્રહણને રોકવાનો હતો.

RBIની Paytm પર કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ બુધવાર-31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહક એકાઉન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને અન્ય માધ્યમોથી થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આરબીઆઈએ આદેશમાં કહ્યું કે કોઈપણ વ્યાજ, કેશબેક અથવા રિફંડ કોઈપણ સમયે ગ્રાહકોને જમા-પરત કરી શકાય છે. અગાઉ 2022ના માર્ચમાં પણ રિઝર્વ બેન્કે પેટીએમને નવા ગ્રાહકો લેવા સામે મનાઈ ફરમાવી હતી. રિઝર્વ બેંકના આદેશ મુજબ 29 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ બેંક નવા ગ્રાહકો નહીં લઇ શકે એટલે કે કોઇ તેમાં નવું એકાઉન્ટ નહીં ખોલાવી શકે. ફાસ્ટ ટેગનો ઉપયોગ નહીં કરી શકે. હાલમાં જેની પાસે પેટીએમનું એકાઉન્ટ છે તે પણ ૨૯મી પછી તેનો ઉપયોગ નહીં કરી શકે. પેટીએમની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સે રિઝર્વ બેંકની ગાઇડ લાઇન્સની ઐસી તૈસી કરી હતી જેનું પરિણામ હવે ભોગવી રહી છે.

જાપાની ઈન્વેસ્ટર સોફ્ટબેંકે પણ પેટીએમની મુશ્કેલી વધારી

સોફ્ટબેંકે તાજેતરમાં પેટીએમમાં​તેનો મોટાભાગનો હિસ્સો વેચી દીધો હતો. રિઝર્વ બેંકે 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પેમેન્ટ બેંક સામે કાર્યવાહી કરી હતી. તે પહેલા જ સોફ્ટબેંક દ્વારા પેટીએમના શેર વેચી દેવાયાનો ખુલાસો ગયો છે. અહેવાલ અનુસાર  સોફ્ટબેંકનું કહેવું છે કે તેને ભારતના નિયમનકારી વાતાવરણમાં અનિશ્ચિતતાની અપેક્ષા હતી. આ ઉપરાંત તેને પેટીએમ પેમેન્ટ્સ બેંકના લાયસન્સ અંગે પણ શંકા હતી. SoftBank એ Paytm માં રોકાણ કરનાર મોટા રોકાણકારો પૈકી એક છે. સોફ્ટબેંકે તેના IPO પહેલા જ Paytm માં મોટું રોકાણ કર્યું હતું. 2021માં IPO લોન્ચ થયો તે સમયે, SoftBank પાસે Paytmમાં 18.5 ટકા હિસ્સો હતો. સોફ્ટબેંક નવેમ્બર 2022થી જ Paytm ના શેરનું વેચાણ કરી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં છેલ્લી ઑફલોડિંગ પછી, Paytmમાં સોફ્ટબેંકનો હિસ્સો ઘટીને માત્ર 5 ટકા રહી ગયો છે. 


Google NewsGoogle News