દિલ્હી: 4 દિવ્યાંગ દિકરી સાથે પિતાએ આપઘાત કરતાં હડકંપ, પત્ની કેન્સરથી મૃત્યુ પામી હતી
Delhi 5 Died News | દિલ્હીના રંગપુરી વિસ્તારમાંથી હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં રંગપુરી વિસ્તારમાં એક પિતાએ તેની ચાર દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. માહિતી અનુસાર તેની ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી. પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ભાડાના મકાનમાં રહેતા આ લોકોના મૃતદેહોને બહાર કાઢી લેવાયા હતા.
મૃતકોની ઓળખ જાહેર કરાઈ
મૃતક પિતાની ઓળખ 50 વર્ષીય હીરાલાલ તરીકે થઇ હતી અને તે બિહારના વતની હતા. દિલ્હી પોલીસના જણાવ્યાનુાસર હીરાલાલ કારપેન્ટરનું કામ કરતા હતા અને તેમની પત્નીનું કેન્સરથી એક વર્ષ પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ તેમના પરિવારમાં 18 વર્ષની દીકરી નીતુ, 15 વર્ષીય નિશિ, 10 વર્ષીય નીરુ અને 8 વર્ષીય દીકરી નિધિ જ હતા.
દિવ્યાંગ હતી ચારેય દીકરીઓ
માહિતી અનુસાર આ ચારેય દીકરીઓ દિવ્યાંગ હોવાને કારણે હરીફરી શકતી નહોતી. આ કારણે હીરાલાલને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. પત્નીના મૃત્યુ બાદ તે પરેશાન રહેવા લાગ્યો હતો. જોકે હજુ સુધી પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સ્યુસાઈડ નોટ મળી નથી.