NEET પેપર લીક: પિતા અને ડૉક્ટર પુત્રની ધરપકડ, અગાઉ પણ સિપાહી ભરતીનું પેપર ફોડવામાં પણ થઈ હતી જેલ
Image: Facebook
NEET Paper Leak Case: નીતીશ કુમારનો ગૃહ જિલ્લો નાલંદા એક વખત ફરી ચર્ચામાં આવી ગયો છે. કારણ નીટ પેપર લીક મામલો છે. નીટ પેપર લીકના છેડા નાલંદા સાથે જોડાઈ ગયાં છે. સ્પેશિયલ ટાસ્ટ ફોર્સની ટીમે માસ્ટર માઈન્ડ પિતા-પુત્રની ધરપકડ કરી છે. એસટીએફના હાથે ચઢેલા સંજીવ મુખિયા અને તેનો પુત્ર ડોક્ટર શિવ કુમાર નાલંદા જિલ્લાના નગરનૌસાના મુતહાખાર ગામના રહેવાસી છે.
સંજીવ પહેલા પણ જેલ જઈ ચૂક્યો છે
આરોપી સંજીવનું આ પહેલા 2016માં સિપાહી ભરતી પરીક્ષાને લઈને બીપીએસસી સહિત અન્ય પરીક્ષાઓના પેપર લીકમાં નામ સામે આવ્યું હતું અને જેલ પણ ગયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે સતત પેપર લીક મામલે પિતા-પુત્રનું નામ આવ્યાં બાદ પંચાયતનું નામ ખૂબ બદનામ થયું છે. મુખિયાના કાર્યકાળ દરમિયાન પણ ઘણા પ્રકારની અનિયમિતતા આ પંચાયતમાં આવી ચૂકી છે. શાહપુર ગામના ગ્રામજનોનું કહેવું છે કે પહેલા પણ સંજીવ મુખિયા અને તેના પુત્ર ડોક્ટર શિવનું નામ પેપર લીક મામલે આવી ચૂક્યું છે.
પિતા પર હેરાફેરીનો આરોપ
શાહપુર ગામમાં જ સાંસદ ફંડ હેઠળ રોડ કાસ્ટીંગના કામમાં ભારે હેરાફેરી થઈ હતી. તેમાં પણ સંજીવ મુખિયાનું નામ સામે આવ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે રૂપિયાના દમ પર સંજીવ મુખિયાએ પોતાની રાજકીય ઓળખ બનાવી અને પોતાની પત્ની મમતા કુમારીને હરનૌત વિધાનસભાથી જેડીયુ સામે લોક જનશક્તિ પાર્ટીથી ચૂંટણી પણ લડાવી હતી. જોકે આ ચૂંટણીમાં તેની પત્નની આકરી હાર પણ થઈ હતી.
પેપર લીક મામલે રાજકારણ ગરમાયું
અત્યારે સમગ્ર દેશમાં નીટ પેપર લીક મામલે રાજકારણ ગરમાયું છે. પેપર લીક મામલે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. તેઓ રસ્તા પર ઉતરીને સતત કાર્યવાહીની માગ કરી રહ્યાં છે. બીજી તરફ નીટ પેપર લીક મામલે રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા તપાસના આદેશ બાદ કાર્યવાહી ઝડપી થઈ ચૂકી છે.