માર્ચ મહિનામાં 10 કામ પૂરા કરી લેજો, નહીંતર આખું વર્ષ હેરાન થશો!
ભારતીય રિઝર્વ બેંકે 15 માર્ચથી પેટીએમ પેમેન્ટ બેંકની સેવાઓ બંધ કરવાનો આદેશ કર્યો
10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરાવવું જરુરી છે
Image Twitter |
Deadline End in March: અત્યારે નાણાકીય વર્ષ 2023-2024નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. માર્ચ મહિનામાં તમારે કેટલાક મહત્ત્વના કાર્યો પૂરા કરવા જરુરી છે. જો તમે 31 માર્ચ પહેલા આ કાર્યો પૂરા નહીં કરો તો તમારી મુશ્કેલીમાં વધારો થશે અથવા તેના બદલે તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે. માર્ચ મહિનો પૂરો થતાની સાથે નવું નાણાકીય વર્ષ પણ શરૂ થઈ જશે. એટલે માર્ચ મહિનો પૂરો થાય તે પહેલા તમારે કેટલાક નાણાકીય કાર્યો પૂરા કરવા પડશે. અને આ મહત્ત્વના કાર્યો માર્ચમાં પૂરા નહીં કરો, તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે.
આધાર કાર્ડ અપડેટ
જો તમારે તમારુ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય તો 14 માર્ચ પહેલા કોઈપણ જાતના ચાર્જ વગર એટલે વિના મૂલ્યે અપડેટ કરાવી શકો છો. તે પછી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારે રુપિયા ચૂકવવા પડશે. તમને જણાવી દઈએ કે 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરાવવું જરુરી છે.
પેટીએમ પેમેન્ટ સેવા
ભારતીય રિઝર્વ બેંકે 15 માર્ચથી પેટીએમ પેમેન્ટ બેંકની મોટાભાગની સેવાઓ બંધ કરવાનો આદેશ આપી દીધો છે. આ તારીખ પછી તમે Paytm પેમેન્ટ બેંકની સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં. જો તમે હજુ પણ પેટીએમ પેમેન્ટ બેંકની સેવાનો ઉપયોગ કરી રહ્યા છો, એકાઉન્ટનો ઉપયોગ અથવા તમારું પેટીએમ વોલેટ પેટીએમ પેમેન્ટ બેંક સાથે લિંક હોય તો તમારે તાત્કાલિક અન્ય બેંક સાથે લિંક કરવું જોઈએ.
SBI અમૃત કળશ યોજના
SBI અમૃત કળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. આ FDમાં તમને 400 દિવસ માટે 7.10 ટકાનું વ્યાજ મળે છે. આ સાથે વરિષ્ટ નાગરિકોને 7.60 ટકાનું વ્યાજ મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
જો તમે સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જેવી નાની બચત યોજનામાં રોકાણ કર્યું છે, તો આ એકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં મિનિમમ એમાઉન્ટ જાળવી રાખવી જરુરી છે. તમારે PPF, સુકન્યા યોજના ખાતામાં 31મી માર્ચ સુધી મિનિમમ બેલેન્સ જાળવી રાખવું જરુરી છે. બેલેન્સ વગરના એકાઉન્ટ 31 માર્ચ પછી ડીએક્ટિવેટ થઈ જશે. અને તેને ફરીથી શરૂ કરવા માટે વારંવાર બેંક ધક્કા ખાવાની નોબત સાથે સાથે દંડ પણ ચૂકવવો પડી શકે છે.
2023-24 માટે ટેક્સ બચત
જો તમે નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ બચાવવા માટે બચત કરવા માંગો છો, તો તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. વિવિધ બચત સ્કીમમાં રોકાણ કરીને તમે આવકવેરાની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકો છો. તેના માટે તમારે 31મી માર્ચ સુધી રોકાણ કરવાનું રહેશે.
Paytm ના FASTag
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે Paytm ફાસ્ટેગ 15 માર્ચ પછી કામ કરતું બંધ થઈ જશે. 15 માર્ચ પછી તમે Paytm ના FASTag નો ઉપયોગ નહીં કરી શકો. 15 માર્ચ પછી તમારુ ફાસ્ટેગ ડિએક્ટિવ થઈ શકે છે. આવુ થવા પર તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
IDBI બેંકે સ્પેશિયલ FD માટેની અંતિમ તારીખ 31મી માર્ચ નક્કી કરવામાં આવી છે. આ સ્પેશિયલ FD હેઠળ 300, 375,અને 444 દિવસની FD પર અનુક્રમે 7.05 ટકા, 7.10 ટકા અને 7.25 ટકા પ્રમાણે વ્યાજ આપવામાં આવે છે.
હોમ લોન
જો તમે હોમ લોન પર છૂટનો લાભ મેળવવા માંગતા હોવ તો તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. SBI દ્વારા હોમ લોન પર ડિસ્કાઉન્ટ માટે ખાસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. જો કે, આ યોજનાનો લાભ માત્ર એ લોકોને જ મળશે, જેમનો CIBIL સ્કોર 700-800 થી વધારે હોય. તેમને બેંકમાંથી 8.60 ટકાના વ્યાજ દરે હોમ લોન મળશે. ઓફર વગર SBI હોમ લોન 9.15 ટકા છે.
નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સનો ચોથા હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ છે.