'યુપીમાં પણ મસ્જિદો તોડવામાં આવી રહી છે...', બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મામલે ફારૂક અબ્દુલ્લાનું નિવેદન
Farooq Abdullah Statement on Muslim: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં અલ્પસંખ્યકો પર થઈ રહેલા પ્રહારોની નિંદા કરી છે. તેમણે આને ખુબ જ ખોટું ગણાવતા કહ્યું કે, તમામ ધર્મના લોકોનું સન્માન થવું જોઈએ. તેમણે કેન્દ્ર સરકાર પર પણ આ મુદ્દે મૌન ધારણ કરવાનો આરોપ લગાવ્યો.
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, 'આ ખુબ જ ખોટું છે, કારણ કે ત્યાં બીજા ધર્મના લોકો પણ રહે છે. તેમને પણ બીજા ધર્મના લોકોનું સન્માન કરવું જોઈએ. કેન્દ્ર સરકાર તેના માટે કોઈ કઠોર પગલાં નથી ભરી રહી. આ સરકારની જવાબદારી છે કે ભારતના પાડોશી દેશોમાં થઈ રહેલા માનવાધિકાર હનન પર આકરી પ્રતિક્રિયા આપે.'
'ઉત્તરપ્રદેશમાં પણ મુસ્લિમો પર અત્યાચાર'
ફારૂક અબ્દુલ્લાએ ઉત્તરપ્રદેશમાં મુસ્લિમો વિરૂદ્ધ થઈ રહેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'ઉત્તરપ્રદેશમાં મુસ્લિમો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. તેમની મસ્જિદો અને ઘર તોડવામાં આવી રહ્યા છે.'
'કોઈપણ ધર્મને નિશાન બનાવવો ખોટું'
અબ્દુલ્લાએ કહ્યું કે, કોઈપણ ધર્મ કે સમુદાયને નિશાન બનાવવા ખોટું છે અને સરકાર આ પ્રકારની ઘટનાઓ પર કડકાઈથી રોક લગાવે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશ અને PoKમાં અલ્પસંખ્યકો વિરૂદ્ધ હિંસાની ઘટનાઓ વધી છે. મંદિરો પર હુમલા, ઘરો સળગાવવા અને સાંપ્રદાયિક તણાવની ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે.
ત્યારે, ભારતમાં પણ ધર્મ વિશેષ વિરૂદ્ધ થનારા અત્યાચારો પર સવાલ ઉઠતા રહ્યા છે. ફારૂક અબ્દુલ્લાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અલ્પસંખ્યકોની સુરક્ષા અને તેમના અધિકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે.