કોંગ્રેસ સાથે ગઠબંધન મજબૂરી નથી પણ...' ચૂંટણી વચ્ચે કદાવર નેતા અને પૂર્વ CMનું મોટું નિવેદન
Jammu And Kashmir Assembly Elections : જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2014 બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. બધા જ પક્ષો પોતાના રાજકીય ગણિત અનુસાર રાજ્યમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ બધી ચૂંટણીની તૈયારી વચ્ચે નેશનલ કોન્ફરન્સ પક્ષના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ભાજપ પર દેશને ધાર્મિક આધાર પર વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો છે. અને કોંગ્રેસ સાથેના તેમના ગઠબંધનને સમયની માંગ ગણાવી હતી.
શુ અહીં શાંતિ છે?
ફારૂક અબ્દુલ્લાને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે, જમ્મુ -કાશ્મીરમાં હવે સ્થિતિ સામાન્ય થઇ ગઈ છે. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, 'અહિયાં કેટલા સૈનિકો છે? જાઓ અને રસ્તાઓ અને શેરીઓમાં જુઓ કે તેઓ કેટલા સારી રીતે શસ્ત્રોથી સજ્જ છે. શુ અહીં શાંતિ છે? સૈનિકો વિના શાંતિ હોવી જોઈએ.'
મારે સંપૂર્ણ રાજ્યનો દરરજો જોઈએ
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની હિમાયત કરી હતી. તેમણે જમ્મુ -કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'મારે સંપૂર્ણ રાજ્યનો દરરજો જોઈએ છે, એ પણ તરત જ, અમારે દિલ્હી હેઠળ કેમ રહેવું જોઈએ? તેઓ કંઈ પણ આદેશ આપી શકે છે, તેઓ કંઈ પણ બદલી શકે છે.'
ગઠબંધન કોઈ મજબૂરી નથી
જયારે તેમને પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસ સાથેના ગઠબંધનથી વિધાનસભાની ચૂંટણી બાદ જમ્મુ -કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુન: સ્થાપિત કરવામાં મદદ મળશે. તેના જવાબમાં અબ્દુલ્લાએ કહ્યું હતું કે, 'કોંગ્રેસ સાથે અમારા પક્ષનું ગઠબંધન કોઈ મજબૂરી નથી, પરંતુ જમ્મુ -કાશ્મીરનો વિકાસ કરવા અને સંપૂર્ણ રાજ્યના દરજ્જાને પુન: સ્થાપિત કરવા માટે સમયની જરૂરીયાત છે.'
આ પણ વાંચોઃ જમ્મુ -કાશ્મીરની ચૂંટણી માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની બીજી યાદી જાહેર કરી
શું તેમણે આતંકવાદ પર કાબુ મેળવી લીધો?
કેન્દ્રમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકારની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે, 'તેઓએ અમારું કદ ઘટાડ્યું છે. જ્યારથી ભારત સ્વતંત્ર થયું છે ત્યારથી મને ખબર નથી કે જમ્મુ -કાશ્મીર સિવાય અન્ય કોઈ રાજ્યને કેન્દ્રસાશિત પ્રદેશ બનાવવામાં આવ્યો હોય. તેઓ કહેતા હતા કે, જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદ માટે કલમ 370 જવાબદાર હતી. તો હું તેમને પૂછવા માંગુ છું કે, શું તેમણે હવે આતંકવાદ પર કાબુ મેળવી લીધો છે? રાજ્ય પર તેમના સંપૂર્ણ નિયંત્રણને પાંચ વર્ષ થઈ ગયા છે.'
તમે કિનારે રહીને બોટ ચલાવી શકતા નથી
વિધાનસભાની ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાના બે બેઠકો પરથી લડવાના નિર્ણય પર, તેમણે કહ્યું હતું કે, 'પરિસ્થિતિને બદલવા માટે અમારે ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવો જરૂરી છે. આ એક તોફાનમાં હોવા જેવું છે. તમે કિનારે રહીને બોટ ચલાવી શકતા નથી, તમારે બોટ પર રહેવું પડશે અને તોફાનમાં પણ તેને ચલાવવી પડશે.'