'રામના આદર્શો સાથે ભાજપને કોઈ લેવાદેવા નહીં', રામાયણ અંગે ફારુક અબ્દુલ્લા-સિબ્બલની રસપ્રદ ચર્ચા
. આ દરમિયાન બંનેએ ભગવાન રામના જીવન અંગે પણ વાત કરી
Farooq Abdullah narrated story of ram exile to kapil sibal | પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ તથા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા વચ્ચે ભગવાન રામના જીવન અંગે રસપ્રદ વાતચીત થઇ હતી. જેનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 'Dil se with Kapil Sibal' યુટ્યુબ ચેનલ પર શેર કરાયો હતો. તેમણે ફારુક અબ્દુલ્લા સાથેની ખાસ વાતચીતમાં દેશના તમામ મુદ્દાઓ પર અભિપ્રાય જાણવા પ્રયાસ કર્યો. આ દરમિયાન બંનેએ ભગવાન રામના જીવન અંગે પણ વાત કરી હતી.
ભગવાન રામ વિશે ફારુક અબ્દુલ્લા શું બોલ્યાં?
ફારુક અબ્દુલ્લા સાથેની ચર્ચામાં કપિલ સિબ્બલે કહે છે કે તમે કહ્યું હતું કે ભગવાન રામ અમારા પણ ભગવાન છે. તેના પર ફારુક કહે છે કે આ વાત હું વારંવાર કહું છું. પાકિસ્તાનમાં મૌલવી ઈસરાર હતા. તેમણે કુરાનની તર્જ પર 60 પુસ્તકો લખ્યા. તેમાં તેમણે બે હસ્તી વિશે લખ્યું. એક ભગવાન રામ અને બીજા ગૌતમ બુદ્ધ. બંને રાજા હતા પણ તેમણે પોતાની રાજાશાહી ઠુકરાવી અને લોકોને સત્યનો માર્ગ બતાવવાનો વિકલ્પ પસંદ કર્યો. તેઓ ખુદ એ રસ્તે આગળ વધ્યા. રાજાશાહી ફગાવી અને સૌની સાથે ન્યાય કર્યો. તમને યાદ હશે, મહાત્મા ગાંધી કહેતા હતા કે રામ રાજ્ય. તેનો અર્થ બધા માટે સમાનતા. કોઈની વચ્ચે ભેદભાવ નહીં. ભારત મોટો દેશ છે. અનેક લોકો, અનેક ધર્મ અને અનેક ભાષાઓ. આ આખો દેશ એક બગીચા જેવો છે, અલગ અલગ રંગ જોવા મળી જશે. આ જ ભારતની સુંદરતા છે.
ભાજપને એક જ રંગ દેખાય છે...
કપિલ કહે છે કે તેમને (ભાજપ) ને તો એક જ રંગ દેખાય છે. તેના પર ફારુક કહે છે કે આપણે શું કરીએ. આપણે તો બધા ધર્મોને ઓળખવાનો પ્રયાસ કરવો જોઇએ.
ભાજપ રામના આદર્શોની વાતો કરે છે પણ..
કપિલે કહ્યું કે ભાજપવાળા રામની વાતો કરે છે પણ રામના જે આદર્શ છે તેનું પાલન નથી કરતા. ભાજપની રાજનીતિ રામ રાજથી એકદમ અલગ છે. તેઓ પોતાને રામભક્ત કહે છે પરંતુ અસલ રામભક્ત તો સામાન્ય વ્યક્તિ જ છે જે સત્યના આધારે જીવનને આગળ વધારે છે.
ફારુકે રામ વનવાસનો કિસ્સો સંભળાવ્યો
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે હું એ જ રામ વિશે વાત કરી રહ્યો છું. પિતા (રાજા દશરથ) એ તેમની પત્ની (રાણી કૈકેઈ) ને વચન આપ્યું હતું કે તમે જે માગશો તે હું તમને આપવા તૈયાર છું. તેમણે (રાજા દશરથ) એ વચન નિભાવ્યું. રામે નહોતું કહ્યું (14 વર્ષના વનવાસ વિશે).
અહીં લોકો સત્તાના ભૂખ્યાં
તેના પર કપિલ કહે છે કે અહીં તો લોકો સત્તા છોડવા પણ તૈયાર નથી. તો ફારુક કહે છે કે જાણે સત્તા જ બધુ છે. આ જુઓ, જ્યારે રામ દરિયા (સરયુ નદી) ને ઓળંગવા ગયા તો તેમને બોટવાળાએ શું કહ્યું? રામ ભગવાને તેમને કહ્યું કે મારી પાસે કંઇ નથી. ત્યારે મા સીતાએ હાથના કંગન ઉતારી આપ્યા અને કહ્યું કે આ લો અને અમને પેલી પાર મૂકી આવો. તેણે (કેવટ) હાથ જોડી કહ્યું કે ભગવાન જ્યારે મારો સમય આવે સ્વર્ગ જવા માટે ત્યારે મને પણ હાથ પકડીને લઈ જજો. આ દરમિયાન ફારુક ભાવુક થઇ ગયા હતા.