Get The App

પશુપાલકો અમૂલને વિશ્વની ટોચની ડેરી બનાવે : મોદી

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
પશુપાલકો અમૂલને વિશ્વની ટોચની ડેરી બનાવે : મોદી 1 - image


- અમૂલને સફળતા અપાવનારા પશુધનને પ્રણામ કરું છું : અમદાવાદમાં વડાપ્રધાનનું જીસીએમએમએફના સુવર્ણજયંતિ સમારોહને સંબોધન

- ટેકાના ભાવના મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોને આવક વધારવા મધમાખી, પશુપાલન સહિતના વિકલ્પો અપનાવવા મોદીની ભલામણ

- મહિલાઓના યોગદાનને કારણે જ ડેરી સેક્ટર નવા શિખરો સર કર્યા  મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં અમૂલનો મોટો ફાળો

અમદાવાદ : લઘુતમ ટેકાના ભાવને મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોનો સીધો ઉલ્લેખ કર્યા વિના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ખેતીની સાથે ખેડૂતો પશુપાલન, મધમાખી ઉછેર જેવો વ્યવસાય અપનાવીને આવક વધારી શકે છે. તેમ જ માછલી ઉછેરના કામમાં જોડાઈને પણ આવકવૃદ્ધિ કરી શકે છે. પશુપાલન, મધમાખી ઉછેર અને મત્સ્ય ઉછેર માટે અનુકુળ માહોલ કેન્દ્ર સરકાર ઊભો કરી રહી છે. પશુપાલનને વેગ આપવા માટે દેશી નસલોને બચાવીને તેમાં વૃદ્ધિ કરવાની, તેમને લાગતા રોગ સામે તેમને રક્ષણ મળી રહે તે માટે રસી બનાવીને આપવાની કામગીરી પર કેન્દ્ર સરકાર ફોકસ કરી રહી છે. તેને માટે કરોડો અને અબજો રૂપિયાન ખર્ચ પણ કરી રહી છે.

અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાકલ કરી છે. દૂધને પ્રોસેસ કરવાની ક્ષમતા આગામી પાંચ વર્ષમાં બમણી થઈ જવી જોઈએ. અત્યારે અમૂલ વિશ્વમાં આઠમા ક્રમની મોટી ડેરી છે. અમૂલ ડેરી આગામી પાંચ જ વર્ષમાં વિશ્વની સૌથી મોટી ડેરી બની જાય તે માટેના પ્રયાસો ગુજરાતના પશુપાલકોએ કરવા જોઈએ. તેમના આ પ્રયાસના ગુજરાત અને ભારત સરકાર તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરન્ટી છે. આજે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સુવર્ણજયંતી સમારોહમાં પશુપાલકો અને ખેડૂતોની વિશાળ જનમેદનીને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ પ્રસ્તુત હાકલ કરી છે. પશુપાલકો આ પ્રયાસ કરીને દેશના લોકોને પોષણયુક્ત આહાર મેળવવાની જરૂરિયાતને પરિપૂર્ણ કરવામાં બહુ જ મોટો ફાળો આપશે.ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સુવર્ણજયંતી સમારોહમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતો-પશુપાલકોનું સશક્તિકરણ, અમૂલ એટલે આધુનિકીકરણ અને અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણાં, અમૂલ એટલે મોટાં સપનાંઓ, અમૂલ એટલે મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ. તેથી જ આજે ગુજરાતમાં પાયો ધરાવતી અમૂલના ઉત્પાદનોની વિશ્વના ૫૦ દેશોમાં નિકાસ થાય છે.

તેમણે કહ્યું હતું કે ૧૮૦૦૦ દૂધ મંડળીઓ સાથે ૩૬ લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે. તેમના માધ્યમથી રોજના ૩.૫ કરોડ લિટર દૂધ એકત્રિત કરવામાં આવે છે. તેમ જ રોજના રૂ. ૧૫૦ કરોડનું પેમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમથી કરવામાં આવે છે. આ વિરાટ કામગીરી છે. તને પાર પાડવી માનવામાં આવે તેટલી સરળ નથી જ નથી. છતાં સહજ અને સરળ રીતે તે કામ થઈ રહ્યું છે. અમૂલની સ્થાપના ખેડા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ગુજરાત મિલ્ક માર્કેટિંગ કોઓપરેટીવ ફેડરેશનનું મોડેલ સહકારી ક્ષેત્ર અને સરકાર કેવી રીતે એકમેકના સાથમાં કામ કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ છે. આ મોડેલને કારણે જ ભારત વિશ્વનો સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતો દેશ બન્યો છે. તેથી જ દશ વર્ષના ગાળામાં માથાદીઠ દૂધ ઉત્પાદન ૪૦ ટકા વધ્યું છે. 

તેમણે કહ્યું હતું કે  લાંબા ગાળા લેવામાં આવેલા નિર્ણયો દરેકની તકદીર બદલી શકે છે તેનો જીવતો જાગતો નમૂનો અમૂલ જ છે. નાના પશુપાલકોનું જૂથ પણ મોટી કામગીરી કરી શકે છે તેનું પણ જીવંત ઉદાહરણ અમૂલ પૂરું પાડે છે. દૂધના ક્ષેત્રનું કુલ ટર્નઓવર રૃા. ૧૦ લાખ કરોડનું છે. આ ટર્નઓવર દેશમાં પેદા કરવામાં આવતા ઘઉં, ડાંગર અને શેરડીના કુલ ઉત્પાદનના ટર્નઓવર કરતાંય વધારે છે. નાના પશુપાલકોના સહકારે સમૃદ્ધિનો માર્ગ કંડારી બતાવ્યો છે. અમૂલ ડેરી જેવી ડેરીઓને કારણે જ આજે ભારત વિશ્વમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. દૂધના ઉત્પાદનમાં ૬ ટકાનો વધારો કરવામાં સફળતા મેળવી છે. વિશ્વના અન્ય દેશોમાં દૂધના ઉત્પાદનમાં માંડ ૨ ટકાનો વધારો જોવા મળે છે. તેની તુલનાએ ભારતની સફળતા બહુ જ મોટી ગણાય તેવી છે. 

તેમણે કહ્યું હતું કે ડેરીના વ્યવસાયે મહિલાઓના સશક્તિકરણમાં પણ બહુ જ મોટી ભૂમિકા અદા કરી છે. તેથી જ આજે મહિલાઓ ડેરી ઉદ્યોગની કરોડરજ્જુ બની ગઈ છે. ગુજરાત અને ભારતના ડેરી સેક્ટર સાથે સંકળાયેલી વ્યક્તિઓમાં ૭૦ ટકા મહિલાઓ છે. આ મહિલાઓના યોગદાનને કારણે જ અમૂલે નવા શિખરો સર કર્યા છે. દેશને વિકસિત દેશની હરોળમાં મૂકવા માટે મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવી જરૂરી છે. અમૂલે આ કામગીરી કરી બતાવી છે. ભારત સરકાર પણ ગામડાંની મહિલાઓને અને નાના ખેડૂતોની જરૂરિયાત પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગ્રામીણ અર્થતંત્રો સંગીન બનશે તો દેશના અર્થતંત્રને સંગીનતા મળશે. તેથી જ અમે ખેડૂતોને વધુ સંગીન સ્થિતિમાં લાવવાનો અને પશુધનને વધુ તન્દુરસ્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 

ભારતની આઝાદી પછી અમૂલ જેટલી કોઈ અન્ય બ્રાન્ડ સફળ થઈ નથી. દેશની વસતિ ઝડપથી વધી રહી છે. દેશના લોકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવો એ પણ એટલો જ જરૂરી બની ગયો છે. લોકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવાની જવાબદારી દૂધ ઉત્પાદકો બહુ જ સારી રીતે નિભાવી શકે છે. તેથી જ દૂધ ઉત્પાદકોએ તેમના દૂધ ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવો જોઈએ.

ડેરી પ્રોડક્ટ્સના પાંચ પ્લાન્ટ્સ દેશને સમપત કર્યા

અમૂલ ડેરીના નવા પનીર ચોકલેટ પ્લાન્ટના વિસ્તરણ કરવામાં આવેલા એકમ અને ઓટોમેટિક યુટીએચ પ્લાન્ટ સહિત જુદી જુદી ડેરીઓના પાંચ પ્લાન્ટનું રિમોટ કંટ્રોલથી ઉદઘાટન કરીને રાષ્ટ્રને સમપત કર્યા હતા. હિમ્મતનગરમાં સાબરડેરીના રોજના ૩૦ મેટ્રિકટન ચીઝની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ અને રોજના ૪૫ મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતા પ્લાન્ટનું ઉદઘાટન કરીને રાષ્ટ્રને સમપત કર્યો હતો. કચ્છ સ્થિત સરહદ ડેરીનો ઓટોમેટિક આઈસક્રીમ મેકિંગ પ્લાન્ટનું પણ આજે પ્રધાનમંત્રીએ ઉદઘાટન કર્યું હતું. 

ભરૂચ સ્થિત દૂધારા ડેરીએ નવી મુંબઈમાં ચાલુ કરેલા ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટનું અને રાજકોટ સ્થિત ગોપાલ ડેરીના રાજકોટ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. 


Google NewsGoogle News