VIDEO: ખેડૂતો ફરી વિફર્યા, ફાટક પર ધરણાં કરી અનેક ટ્રેનો અટકાવી, 30 ડિસેમ્બરે પંજાબ બંધની જાહેરાત
Farmers Stopped Many Train : ખેડૂતો પોતાની માગને લઈને છેલ્લા ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યાં છે. કેન્દ્ર પર દબાણ બનાવા માટે આજે બુધવારે ખેડૂતોએ ત્રણ કલાકના 'ટ્રેન રોકો' વિરોધ પ્રદર્શનમાં ફાટક પર ધરણાં કરીને અનેક ટ્રેનો અટકાવી. સંયુક્ત કિસાન મોરચા (SKM)અને કિસાન મજદૂર મોરચા દ્વારા ટ્રેન રોકોનું આહ્વાન કરવામાં આવ્યું હતું. કિસાન મજદૂર મોરચાના નેતા સરવન સિંહ પંધેરે કહ્યું કે, 'ખેડૂતોએ બપોરના 12 થી 3 વાગ્યામાં અનેક સ્થળોએ ફાટક પર બેસીને ધરણાં પ્રદર્શન કર્યુ અને ટ્રેનો અટકાવી. હવે કિસાન મજદૂર મોરચા અને SKMએ 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું છે.'
આ સ્થળોએ ખેડૂતોના ધરણાં
મીડિયા અહેવાલ મુજબ, વિરોધ કરી રહેલાં ખેડૂતોએ ગુરદાસપુરમાં મોગા, ફરીદકોટ, કાદિયાન અને બટાલામ, જલંધરમાં ફિલ્લૌર, હોશિયારપુરમાં ટાંડા, દસુયા, માહિલપુર, ફિરોઝપુરમાં મક્ખુ, તલવંડી, લુધિયાણામાં સાહનેવાલ, પટિયાલામાં શંભુ, મોહાલી, સંગરુરના સુનમ અને લેહરા, બઠિંડામાં રામપુરા ફૂલ અને અમૃતસરના દેવીદાસપુરા સહિત અનેક સ્થળોએ રેલવેના માર્ગો બ્લોક કર્યા હતા.
જ્યારે જમ્મુથી સિયાલદહ જતી હમસફર એક્સપ્રેસ, અમૃતસરથી મુંબઈ જતી દાદર એક્સપ્રેસ અને નવી દિલ્હીથી અમૃતસર જતી શાન-એ-પંજાબ એક્સપ્રેસને લુધિયાણા રેલવે સ્ટેશનના અલગ-અલગ પ્લેટફોર્મ પર રોકવામાં આવી હતી. નવી દિલ્હીથી અમૃતસર જતી શતાબ્દી એક્સપ્રેસને ખન્ના રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, 'અમે સરકાર પાસે એમએસપી માટે કાયદાકીય ગેરંટીની માગ કરી રહ્યા છીએ.' તમને જણાવી દઈએ કે, SKM અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ ખેડૂતો 13 ફ્રેબુઆરીથી પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનોરી બોર્ડર પર ધરણાં કરી રહ્યાં છે. જેમાં સુરક્ષા દળો દ્વારા ખેડૂતોની દિલ્હી જતા અટકાવવામાં આવી રહ્યા છે.
દિલ્હીમાં જવા ખેડૂતોના અનેક પ્રયાસો
છેલ્લા ત્રણ અઠવાડિયાથી પંજાબના ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ પંજાબ અને હરિયાણા વચ્ચે ખનોરી બોર્ડર પર આમરણ ઉપવાસ પર બેઠા છે, જેથી કેન્દ્ર પર આંદોલનકારી ખેડૂતોની માંગણીઓને સ્વીકારવામાં આવે. જેમાં 101 ખેડૂતોના જૂથે 6 ડિસેમ્બર, 8 ડિસેમ્બર અને પછી 14 ડિસેમ્બરે પગપાળા જઈને દિલ્હીમાં પ્રવેશ કરવાના ત્રણ પ્રયાસો કર્યાં. જેમાં હરિયાણાના સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યાં હતા.
ખેડૂતોના પાકમાં MSP પર કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતોની લોન માફી, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન, વિજળીદરોમાં ઘટાડો, પોલીસ ફરિયાદો અને 2021માં લખીમપુર ખીરી હિંસાના પીડિતોને ન્યાય અપાવવા સહિતની માંગણી કરી રહ્યા છે. જમીન સંપાદન અધિનિયમ, 2013ની પુનઃસ્થાપના અને 2020-21માં અગાઉના આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.