ખેડૂત આંદોલનના પગલે શાકભાજીના ભાવ વધવાના એંધાણ
આંદોલનના કારણે શાકભાજી લેવા-લઈ જવાના ભાડામાં વધારો
આંદોલન લાંબુ ચાલશે તો શાકભાજી સહિતના ભાવો વધવાની સંભાવના
Farmers Protest : ખેડૂત આંદોલનના કારણે શાકભાજીના ભાવ (Vegetable Prices)માં વધારો થઈ શકે છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવા અટકાવવા માટે ઉત્તર પ્રદેશ સહિત તમામ મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે, સિમેન્ટ ક્રોંકિંટથી બેરિકેટ તેમજ ખિલ્લા પણ ધરબી દેવાયા છે. દિલ્હી જવું અને બહાર નિકળવામાં પણ મુશ્કેલી સર્જાતા તેની અસર શાકભાજીની સપ્લાય અને કિંમતો પર અસર પડી શકે છે. અગાઉના ખેડૂતો આંદોલનના કારણે શાકભાજીની કિંમતમાં વધારો થયો હતો.
ખેડૂત આંદોલનના કારણે શાકભાજી લેવા-લઈ જવાનો ખર્ચો વધ્યો
શાકભાજીના વેચાણકર્તાના જણાવ્યા મુજબ ગાઝીપુર શાકભાજી માર્કેટથી પૂર્વ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે. આંદોલન અગાઉ ગાઝીપુરથી માર્કેટ સુધી શાકભાજીનો જથ્થો લઈ જવામાં 200થી 300 રૂપિયામાં રિક્ષા મળી જતી હતી, પરંતુ આજની સ્થિતિના કારણે 500 રૂપિયા આપવા પડે છે. ખેડૂતોના આંદોલનના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાના કારણે રિક્ષા ચાલકો પણ આવવા તૈયાર થતા નથી, તેથી તેઓ વધુ ભાડુ વસુલી રહ્યા છે.
ભાડા વધારાની અસર શાકભાજીની કિંમતો પર પડવાની ધારણા
ગાઝીપુર શાકભાજી માર્કેટમાં મેરઠ, મુઝફ્ફરનગર, હાપુડ, ગાજિયાબાદ અને ગ્રેટર નોઈડાથી પણ શાકભાજી વેંચાવા માટે લવાય છે. જોકે આંદોલન વચ્ચે અવર-જવરની સમસ્યાના કારણે ભાડામાં ધરખમ વધારો થશે, તેની સીધી અસર શાકભાજીની કિંમતો પર પડી શકે છે. આવી જ રીતે હરિયાણાથી સિંધુ બોર્ડર પરથી થતી શાકભાજીના જથ્થા પર અસર પડી શકે છે. ત્યાંથી કોબી, મરચાં, પાલક જેવી લીલી શાકભાજી દિલ્હી સુધી પહોંચે છે. જો આંદોલન વધુ લાંબુ ચાલશે તો તેની સીધી અસર શાકભાજીના ભાવમાં પડી શકે છે. આ ઉપરાંત યમુના એક્સપ્રેસવે, કાલિંદી કુંજ બોર્ડર પરથી પણ દિલ્હી-એનસીઆરના આસપાસના વિસ્તારોમાંથી થઈ દિલ્હીના આઝાદપુર શાકભાજી માર્કેટ, કેશોપુર શાકભાજી માંર્કેટ અને ગાઝીપુર શાકભાજી માર્કેટમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે. ખેડૂત આંદોલનની અસર તેના પર પડી શકે છે.
શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ કાફલો સામસામે
ઉલ્લેખનિય છે કે, લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની તેમજ ખેડૂતોની સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવા સહિતની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન સંગઠન અને કિસાન મજદુર સંગઠનની જાહેરાત બાદ ખેડૂતો દિલ્હી (Delhi) કૂચ કરી રહ્યા છે. સોમવારે ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ હતી, ત્યારબાદ ખેડૂતોએ મંગળવારે વિરોધ પ્રદર્શન સાથે માર્ચ શરૂ કરી દીધી હતી. આંદોલન અગાઉ ખેડૂતોના માર્ગ પર સિમેન્ટ ક્રોંક્રિટના બ્લોક તેમજ ખીલ્લા ધરબી દેવાયા છે. પોલીસનો કાફલો પણ મોટાપાયે ખડકી દેવાયો છે. હાલ હરિયાણા-પંજાબ વચ્ચેની શંભુ બોર્ડર (Haryana-Punjab Shambhu Border) પર સ્થિતિ વણસી છે. પોલીસ ખેડૂતોને દિલ્હી કુચ કરતા અટકાવી રહી છે. ખેડૂતો પણ દિલ્હી કૂચ કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.