‘MSP ગેરન્ટી સિવાય કંઈપણ નહીં’ ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, ચોથી બેઠક પણ નિષ્ફળ

ખેડૂત પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારના એમએસપી પરના પાંચ વર્ષના કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ ફગાવ્યો

પ્રસ્તાવ A2+FL+50% પરનો છે કે C2+50% પરનો, તે કેન્દ્રીય મંત્રી સ્પષ્ટ કરતા તૈયાર નથી : ખેડૂત સંગઠન

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
‘MSP ગેરન્ટી સિવાય કંઈપણ નહીં’ ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો, ચોથી બેઠક પણ નિષ્ફળ 1 - image


Farmers Protest : ખેડૂતોના સાત દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે યોજાયેલી ચોથી બેઠક પણ નિષ્ફળ ગઈ છે. સંયુક્ત કિસાન મોરચા (Samyukta Kisan Morcha)એ કેન્દ્ર સરકારના એમએસપીના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા કથિત રીતે એમએસપી પર પાંચ વર્ષના કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ રખાયો છે. પરંતુ ખેડૂતોએ કહ્યું કે, ‘અમને મીડિયા અહેવાલોથી જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકાર A2+FL+50% મુજબ MSP પર વટહુકમ બહાર પાડવાની યોજના બનાવી રહી છે.’ મોરચાએ કહ્યું કે, C2+50% સિવાય કંઈપણ સ્વિકારાશે નહીં.

ભાજપે પોતે વચન આપ્યું હતું : સંયુક્ત કિસાન મોરચો

નિવેદન મુજબ ખેડૂતો સમક્ષ મકાઈ, કપાસ, અરહર/તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદીમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટનો પ્રસ્તાવ રખાયો છે. જેની સામે ખેડૂતોએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ માત્ર સી2+50% ફોર્મ્યૂલાના આધારે જ એમએસપીની ગેરંટીની ઈચ્છે છે. મોરચાએ નિવેદનમાં કહ્યું કે, ભાજપે પોતે 2014ના ચૂંટણી ઢંઢેરામાં આ વચન આપ્યું હતું.

‘મોદી સરકાર વચનો પૂરા કરી શકતા નથી, તો તેઓ પોતે જણાવે’

કિસાન મોરચાએ કહ્યું કે, ‘સ્વામિનાથન પંચે 2006ના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2+50%ના આધારે એમએસપી આપવાનું સૂચન આપ્યું હતું. અમે પાક પર તે જ આધારે એમએસપી ગેરેન્ટીની માંગ કરી રહ્યા છીએ. આમ કરવાથી ખેડૂતો પોતાનો પાક એક ફિક્સ્ડ કિંમતે વેંચી શકશે અને તેમને નુકસાન પણ ભોગવવાનો વારો નહીં આવે. જો મોદી સરકાર ખેડૂતોના વચન પુરા કરી શકતી નથી, તો વડાપ્રધાન ઈમાનદારીથી પ્રજાને જણાવે.’

કેન્દ્રીય મંત્રીની MSP પરની વાત અસ્પષ્ટ

સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ A2+FL+50% પર આધારિત છે કે C2+50% પર, તે કેન્દ્રીય મંત્રી સ્પષ્ટ કરતા તૈયાર નથી. ચાર વખત બેઠક યોજાઈ, ચર્ચા કરાઈ, તે છતાં ચર્ચામાં કોઈપણ પારદર્શિતા જોવા મળી નથી. ખેડૂતો લોન માફી, વીજળીનું ખાનગીકરણ નહીં, જાહેર ક્ષેત્રની પાક વીમા યોજના, 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને 10000 રૂપિયાનું માસિક પેન્શન, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને બરતરફ કરવાની પણ માંગ કરી રહ્યા છે.

21-22 ફેબ્રુઆરીએ કિસાન મોરચાની મીટિંગ

કિસાન મોરચાએ કહ્યું કે, ‘ખેડૂતોએ સંઘર્ષને વધુ ઉગ્ર બનાવવા, મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને કોર્પોરેટ ભ્રષ્ટાચારને પ્રજા વચ્ચે ઉજાગર કરવા, પંજાબની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતો પર ક્રૂર દમન સમાપ્ત કરવાની માંગ કરી છે.’ નિવેદન મુજબ કિસાન મોરચો 21-22 ફેબ્રુઆરીએ મીટિંગ યોજશે, જેમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.


Google NewsGoogle News