ટેકાના ભાવની ગેરંટી માટેના આંદોલનમાં દક્ષિણ ભારતના ખેડૂતો કેમ ભાગ નથી લેતા?, ચાલો સમજીએ...

MSPથી પણ બમણી કમાણી કરતા કેટલાક રાજ્યના ખેડૂતો આંદોલનથી દૂર

ત્રણ રાજ્યોના ખેડૂતોની એમએસપીની ગેરન્ટી સહિતની માંગ, પાંચ રાજ્યો સંપૂર્ણ શાંત

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
ટેકાના ભાવની ગેરંટી માટેના આંદોલનમાં દક્ષિણ ભારતના ખેડૂતો કેમ ભાગ નથી લેતા?, ચાલો સમજીએ... 1 - image


Punjab And Haryana Farmers Protest : ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવા સહિતની માંગ મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂતોના આંદોલનનો આજે 11મો દિવસ છે. એકતરફ ખેડૂતો દિલ્હી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે, તો બીજીતરફ પોલીસ અને સુરક્ષા દળના જવાનો પણ તેમને અટકાવી રહ્યા છે. આંદોલન બાદ સૌથી ખરાબ સ્થિતિ શંભુ બોર્ડર (Shambhu Border) પર જોવા મળી રહ્યા છે, જ્યાં પોલીસ ટીયર ગેસના સેલ છોડવા સહિતની કાર્યવાહી કરી રહી છે, તો ખેડૂતો પણ આગળ વધવા સિમેન્ટ બેરીકેડ તોડવા મથી રહ્યા છે. ઘર્ષણમાં ખનૌરી બોર્ડર પર એક યુવકનું મોત નિપજ્યું છે, ત્યારબાદ ખેડૂતોએ ‘દિલ્હી ચાલો માર્ચ’ને બે દિવસ ટાળી દીધી છે.

બે ખેડૂત સંગઠનોનું આંદોલન, ત્રીજાની એન્ટ્રી થવાની તૈયારી

ખેડૂત સંગઠનનોનો દાવો છે કે, સરકારે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હોવા છતાં એમએસપીની ગેરન્ટી પર કાયદો બનાવાયો નથી. વર્તમાન આંદોલન ખેડૂતોના બે સંગઠનો - સંયુક્ત કિસાન મોર્ચો (બિનરાજકીય) અને કિસાન મજબૂર મોરચા દ્વારા ચાલી રહ્યું છે, જેઓ પંજાબ અને હરિયાણાના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશનું ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના વડા રાકેશ ટિકૈત પણ આ આંદોલનને સમર્થન આપી શકે છે.

અગાઉના આંદોલનમાં દક્ષિણ ભારત ખેડૂતો સામેલ ન હતા

વર્તમાન આંદોલન પહેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન થયું હતું. જેમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ખેડૂતો જોડાયા હતા. તે દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી દાવો કર્યો હતો કે, દક્ષિણ ભારત ખેડૂતો કૃષિ કાયદાના સમર્થનમાં છે, તેઓ આંદોલનમાં સામેલ નથી. જોકે તે વખતે દક્ષિણ ભારતના ખેડૂતો ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધના આંદોલનમાં સામેલ છે કે નહીં, તેવા કોઈપણ અહેવાલો સામે આવ્યા ન હતા.

શું વર્તમાન આંદોલનમાં દક્ષિણના ખેડૂતો સામેલ નથી ?

વર્તમાન આંદોલનમાં પોલીસની કાર્યવાહી નારાજ થયેલા તમિલનાડુ (Tamil Nadu)ના કેટલાક ખેડૂતોએ થોડા દિવસ પહેલા જ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોલીસે થંજાવુર રેલવે સ્ટેશન પરથી 100થી વધુ ખેડૂતોની ધરપકડ કરી હતી. આ અગાઉ કર્ણાટક અને તમિલનાડુના ઘણા ખેડૂતો દિલ્હી તરફ જવા રવાના થયા હતા, પરંતુ તેમને વચ્ચે  જ અટકાવી દેવાયા હતા. સંયુક્ત કિસાન મોર્ચાએ દાવો કર્યો હતો કે, કર્ણાટકના લગભગ 100 ખેડૂતોને ભોપાલ રેલવે સ્ટેશન પર અટકાવી દેવાયા હતા. આ ખેડૂતો 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો માર્ચમાં સામેલ થવા આવી રહ્યા હતા. જો તેમના સિવાયની વાત કરવામાં આવે તો આ આંદોલનમાં દક્ષિણ ભારતનું કોઈપણ મોટું ખેડૂત સંગઠન સક્રિય રૂપે હાલ સામેલ નથી.

દક્ષિણ ભારતના ખેડૂતો આંદોલનમાં કેમ નહીં ? જાણો બે કારણ

પ્રથમ કારણ : દક્ષિણ ભારતના ખેડૂતો આંદોલનમાં સામેલ ન થવા પાછળનું એક કારણ એવું હોઈ શકે છે કે, ઘઉં અને ડાંગરની સૌથી વધુ ખરીદી પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતના રાજ્યોમાંથી થાય છે. 

ડેટા મુજબ સરકારે ખરીફ સિઝન 2022-23માં MSP પર કુલ 846.45 લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી હતી, જેમાં 1.74 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સરકારે સૌથી વધુ પંજાબના ખેડૂતો પાસેથી ડાંગરની ખરીદી કરી હતી. 

2022-23માં પંજાબના નવ લાખથી વધુ ખેડૂતો પાસેથી 181.11 લાખ મેટ્રીક ટન ડાંગર ખરીદવામાં આવ્યું હતું અને તે માટે સરકારે 37,514 કરોડ રૂપિયા આપ્યા હતા. 

જ્યારે હરિયાણાના 2.82 લાખ ખેડૂતો પાસેથી 59.36 લાખ મેટ્રીક ટન અને ઉત્તર પ્રેશના 9.40 લાખ ખેડૂતો પાસેથી 65.50 લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી હતી. એટલું જ નહીં સરકારે રવિ સિઝન 2022-23માં MSP પર 262 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરી હતી, જેમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પાસેથી 70 ટકાથી વધુ ખરીદી કરાઈ હતી. 

સરકારે પંજાબના લગભગ આઠ લાખ ખેડતો પાસેથી 121.17 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરી હતી, જેમાટે 25,748 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. જ્યારે હરિયાણાના સવા ત્રણ લાખ ખેડૂતો પાસેથી 13,424 કરોડ રૂપિયાના ખર્ચે 63.17 લાખ મેટ્રીક ટનની ખરીદી અને ઉત્તર પ્રદેશના 81 હજારથી વધુ ખેડૂતો પાસેથી 468 કરોડના ખર્ચે 2.20 લાખ મેટ્રીક ટન ઘઉંની ખરીદી કરી હતી. 

આનાથી ઉલટું સરકારે દક્ષિણના પાંચ રાજ્યો - આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ખેડૂતો પાસેથી 214.34 લાખ મેટ્રીક ટન ડાંગરની ખરીદી કરી હતી, જે કુલ ડાંગરની ખરીદીના 25 ટકા છે. જ્યારે દક્ષિણના કોઈપણ રાજ્યો સરકાર પાસેથી MSP પર ઘઉંની ખરીદી કરતા નથી.

બીજું કારણ : બીજું કારણ એ હોઈ શકે છે કે, ઉત્તર અને દક્ષિણના પાકની પેટર્ન જુદી જુદી હોય છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં શેરડી, ડાંગર, કોફી, સોપારી, કઠોળ, કાળા મરી અને ઈલાયચી જેવા પાકની ખેતી થાય છે. આમાંથી ઘઉં સિવાયના અન્ય પાકોમાં MSPનો કોઈ ફરક પડતો નથી. 

એટલું જ નહીં દક્ષિણ રાજ્યના મોટાભાગના ખેડૂતો સરકારી માર્કેચમાં પાક વેચી દે છે, જ્યાં તેમને એમએસપીથી વધુ કિંમત મળે છે. 

આ ઉપરાંત કોફી બોર્ડ અને રાજ્ય સરકારો ખેડૂતો પાસેથી એમએસપીથી વધુ કિંમતે પાક ખરીદે છે. તેમજ જો પૂર જેવી કુદરતી આફત સર્જાય તો પાકને નુકસાન થાય છે અને ત્યાંની સરકારો ખેડૂતોને વળતર પણ આપે છે. તેમનું દેવું પણ માફ કરી દેવામાં આવે છે. 

તાજેતરમાં જ કર્ણાટક સરકારે 2024-25ના બજેટમાં ‘રાયથા સમૃદ્ધિ’ યોજના શરૂ કરી છે, જેમાં 57 હજાર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે.

ખેડૂતો-મંત્રીઓ વચ્ચેની ચોથી બેઠકમાં પણ પરિણામ નહીં

ખેડૂત સંગઠનોના વર્તમાન આંદોલનનો આજે 11મો દિવસ છે. ખેડૂતો એમએસપી પર લીગલ ગેરન્ટી તો માંગી જ રહી છે, સાથે જ અન્ય ઘણી માંગ કરી રહી છે. અત્યાર સુધીમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચાર વખત બેઠક યોજાઈ, પરંતુ તેમાં કોઈપણ ચોક્કસ પરિણામ આવ્યું નથી. 18 ફેબ્રુઆરીએ ચોથી બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર નવો પ્રસ્તાવ લાવી હતી, જેને ખેડૂતોએ રદ કરી દીધો હતો. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે, શુક્રવારે સાંજે પાંચમાં તબક્કાની બેઠક યોજાશે, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

ખેડૂતો આ માગણીઓ પર અડગ

  • ખેડૂતોની સૌથી મહત્ત્વની માંગ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની છે.
  • ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવી જોઈએ.
  • દેશમાં જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ કરો, ખેડૂતોની લેખિત સંમતિ અને કલેક્ટર રેટ કરતાં ચાર ગણા વળતરની ખાતરી કરો.
  • લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ખેડૂતો ન્યાયની માગ કરી રહ્યા છે
  • ભારતને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માંથી બહાર લઈ જવું જોઈએ.
  • કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવું જોઈએ.
  • 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને રૂ. 10,000નું પેન્શન આપવું જોઈએ.
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી, તમામ પાકોને યોજનાનો ભાગ બનાવવો અને નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એક કમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું.
  • જમીન સંપાદન અધિનિયમ, 2013 એ જ રીતે અમલમાં મૂકવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ.
  • જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ.

Google NewsGoogle News