Get The App

VIDEO: ‘જો ખેડૂતો સાથે અન્યાય થયો તો...’ આંદોલન વચ્ચે રાકેશ ટિકેતે સરકાર પર સાધ્યું નિશાન

હરિયાણા-પંજાબ વચ્ચેની શંભુ બોર્ડર પર અફરાતફરી વચ્ચે રાકેશ ટિકેતે ખેડૂતો સાથે અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો

ટિકેતે કહ્યું, મોટી મૂડીવાદી કંપનીઓએ રાજકીય પક્ષ બનાવી દેશ પર કબજો કરી લીધો, તેથી સમસ્યા તો આવશે જ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
VIDEO: ‘જો ખેડૂતો સાથે અન્યાય થયો તો...’ આંદોલન વચ્ચે રાકેશ ટિકેતે સરકાર પર સાધ્યું નિશાન 1 - image


Farmers Protest : દિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પોલીસ પણ ટીયર ગેસના સેલ છોડી તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકેતે (Rakesh Tikait) કેન્દ્ર સરકાર પર નિશાન સાધી મોટી પ્રતિક્રિયા આપી છે.

‘...તો દિલ્હી આપણાથી દૂર નથી’

ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓ છે... તેમણે એક રાજકીય પક્ષ બનાવી લીધો છે અને આ દેશ પર કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં સમસ્યાઓ આવશે જ... જો તેમની (ખેડૂતો) સાથે કોઈ અન્યાય થશે, સરકાર તેમના માટે કોઈ સમસ્યા ઊભી કરશે તો ખેડૂતો પણ આપણાથી દૂર નથી અને દિલ્હી આપણાથી દૂર નથી.’

‘સરકારે અમારી સાથે વાતચીત કરવી જોઈએ’

તેમણે કહ્યું કે, ‘જ્યારે દિલ્હીમાં 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું હતું, ત્યારે અમારી અને સરકાર વચ્ચે 12 વખત વાતચીત થઈ હતી. ત્યારબાદ 22 જાન્યુઆરી-2021 બાદ ભારત સરકાર સાથે અમારી કોઈ વાતચીત થઈ નથી. હવે ત્રણ વર્ષ બાદ આ વાતચીત શરૂ થઈ છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ. સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ. ઉપરાંત તેનું નિરાકરણ લાવવું જોઈએ.’

MSP ન્યૂનતમ ટેકાના ભાવ છે, મોદી વેચાણ કિંમત નહીં : કોંગ્રેસ

ખેડૂત આંદોલન મુદ્દે કોંગ્રેસે પણ મોદી સરકાર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘જે સરકાર એમ.એસ.સ્વામીનાથન અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપે છે, તે જ સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે. ખેડૂત સંગઠનોની ત્રણ-ચાર મુખ્ય માંગણીઓ છે. તેમની સૌથી મોટી માંગ છે - સ્વામીનાથન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે અને બીજી માંગ - એમએસપી કાયદો... તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, MSP ‘ન્યૂનતમ ટેકાના ભાવ’ છે, ‘મોદી વેચાણ કિંમત’ નહીં’

શંભુ બોર્ડર પર અફરાતફરી, પોલીસ-ખેડૂતો સામસામે

ઉલ્લેખનિય છે કે, ખેડૂત સંગઠનોએ આજથી ખેડૂત આંદોલનની જાહેરાત કરી હતી. ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડર (Haryana-Punjab Shambhu Border)થી ખેડૂતો દિલ્હી (Delhi) તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે ખેડૂતોને અટકાવવા પોલીસ ટીયર ગેસ સહિતના તમામ પ્રયાસો કરી રહી છે. દિલ્હીમાં ઘૂસવા પર અડગ રહેતા ખેડૂતો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર સીલ

ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સીલ કરી દેવામાં આવી છે. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સીલ કરી દેવામાં આવ્યો છે. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તહેનાત કરવામાં આવી છે.

ખેડૂતો આ માગણીઓ પર અડગ

  • ખેડૂતોની સૌથી મહત્ત્વની માંગ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની છે.
  • ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવી જોઈએ.
  • દેશમાં જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ કરો, ખેડૂતોની લેખિત સંમતિ અને કલેક્ટર રેટ કરતાં ચાર ગણા વળતરની ખાતરી કરો.
  • લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ખેડૂતો ન્યાયની માગ કરી રહ્યા છે
  • ભારતને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માંથી બહાર લઈ જવું જોઈએ.
  • કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવું જોઈએ.
  • 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને રૂ. 10,000નું પેન્શન આપવું જોઈએ.
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી, તમામ પાકોને યોજનાનો ભાગ બનાવવો અને નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એક કમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું.
  • જમીન સંપાદન અધિનિયમ, 2013 એ જ રીતે અમલમાં મૂકવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ.
  • જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ.

Google NewsGoogle News