સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં ખેડૂતો, 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન, કરશે દિલ્હી કૂચ

- પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં ખેડૂતો, 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન, કરશે દિલ્હી કૂચ 1 - image


Image Source: Twitter

ચંદીગઢ, તા. 11 ફેબ્રુઆરી, 2024, રવિવાર

ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. આ સાથે જ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

પંજાબના ખેડૂતોએ એલાન કર્યું છે કે, 10 હજાર ટ્રેક્ટર ટ્રોલીઓમાં દિલ્હી જવા માટે હરિયાણામાં દાખલ થઈશું. તેના માટે શંબૂ બોર્ડર, ડબવાલી અને ખનૌરી બોર્ડર પસંદ કરવામાં આવી છે. આ ત્રણેય બોર્ડરોને સીલ કરી દેવામાં આવી છે. આ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસની સાથે પંજાબ-હરિયાણા બોર્ડર પર BSF અને RAFના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

પંજાબના ખેડૂતોને હરિયાણા થઈને દિલ્હી જતા રોકવા માટે અંબાલામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભૂ બોર્ડરને સિમેન્ટ બેરિકેડિંગ અને કાંટાળા તારથી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્રએ ઘગ્ગર નદી પર બનેલા બ્રિજને પણ બંધ કરી દીધો છે. બહાદુરગઢમાં પાંચ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકરી બોર્ડર પર કાંટાળા તાર અને સિમેન્ટના બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

ચાર જિલ્લામાં કલમ 144 લાગુ

પટિયાલાથી અંબાલાના રોડનો રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. સોનીપત, ઝજ્જર, પંચકુલા બાદ કૈથલમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પંજાબથી ચંદીગઢ થઈને ખેડૂતો પંચકુલાના રસ્તે પણ દિલ્હી જવા માટે હરિયાણામાં પ્રવેશ કરી શકે છે.

ચાર મુખ્ય હાઈવે બંધ કરવામાં આવી શકે છે

હરિયાણા પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે. જેમાં લોકોને પંજાબ જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. જો સ્થિતિ વણસી તો અંબાલા-ચંદીગઢ નેશનલ હાઈવે-152, અંબાલા-હિસાર નેશનલ હાઈવે-65, પાણીપત-જાલંધર નેશનલ હાઈવે-44 અને અંબાલા-કાલા અંબ નેશનલ હાઈવે-344ને પણ બંધ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલીમાં વધારો થશે. હરિયાણાના 7 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. 

આવતી કાલે બીજા તબક્કાની બેઠક

ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે બીજા તબક્કાની બેઠક ચંદીગઢમાં 12 ફેબ્રુઆરીએ સાંજે 5:00 વાગ્યે સેક્ટર 26 મહાત્મા ગાંધી સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં યોજાશે. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય બેઠકમાં સામેલ થશે.



Google NewsGoogle News