ખેડૂત આંદોલન: કેન્દ્રીય મંત્રીઓ સાથે પાંચ કલાક ચાલેલી બેઠક નિષ્ફળ, રવિવારે ફરી યોજાશે
ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે રવિવારે ફરી બેઠક યોજાશે : અનુરાગ ઠાકુર
હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ યથાવત્
Farmers Protest : ખેડૂત આંદોલનને આજે ચોથો દિવસ છે. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની અને ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવાની માંગને લઈ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana Punjab Shambhu Border) પર હજુ પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂત સંગઠન અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આજે ફરી ખેડૂત અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ ગઈ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હવે રવિવારે બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.
રવિવારે ફરી બેઠક યોજીશું : અનુરાગ ઠાકુર
ખેડૂતો સાથેની બેઠક અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે, ‘ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે આગામી દિવસ રવિવાર નક્કી કરાયો છે. હું આશા રાખું છું કે આગામી ચર્ચા હકારાત્મક વાતાવરણમાં થશે અને અમે ખેડૂતોના પ્રશ્નના ઉકેલ તરફ આગળ વધીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે ઘણાં પગલાં લીધાં છે.’
શંભુ બોર્ડર પર હજુ પણ સ્થિતિ યથાવત્
પંજાબના હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની જીદ સાથે શંભુ બોર્ડર પર એકઠા થયા છે. બીજી તરફ હરિયાણામાં તેમને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે પણ શંભુ બોર્ડર પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે. ખેડૂત સંગઠનો દ્વારા ઈજાગ્રસ્ત ખેડૂતોને પ્રાથમિક સારવાર માટે વિવિધ સ્થળોએ મેડિકલ સુવિધા પણ ઉભી કરાઈ છે. હરિયાણાના કુરુક્ષેત્ર હાઈવે પર પણ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.