‘સરકાર ખેડૂતોની 90% માંગ સાથે સહમત, પરંતુ...’ મડાગાંઠ વચ્ચે ખેડૂત નેતા ડલ્લેવાલાનું નિવેદન

ખેડૂત આંદોલનના પગલે પંજાબના 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ

હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત્

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
‘સરકાર ખેડૂતોની 90% માંગ સાથે સહમત, પરંતુ...’ મડાગાંઠ વચ્ચે ખેડૂત નેતા ડલ્લેવાલાનું નિવેદન 1 - image

Farmers Protest : ખેડૂત આંદોલનના આજે છ દિવસે પણ હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર (Haryana-Punjab Shambhu border) પર ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત્ છે. ખેડૂતોને માંગને લઈ ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉપરાઉપરી બેઠકો યોજાઈ રહી છે, ત્યારે વણસેલી સ્થિતિને ધ્યાને રાખી પંજાબમાં સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત હરિયાણાને અડીને આવેલા પંજાબ બોર્ડર પરના ગામડાઓમાં પણ ઈન્ટરનેટ બંધ કરવાનો સમયગાળો વધારી દેવાયો છે. 

ખેડૂત નેતાએ કહ્યું, સરકાર 90% માંગ સાથે સહમત, પરંતુ તેઓ મીડિયાને જણાવે

બીજીતરફ ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે (Jagjit Singh Dallewal) કહ્યું કે, ‘સરકાર ખેડૂતોની 90 ટકા માંગ સાથે સહમત છે, પરંતુ સરકાર મીડિયાને જણાવે કે, તેઓ જે માંગણીઓ પર સહમત થયા છે, તે 90 ટકા માંગણીઓ કંઈ છે. સરકાર ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવે અથવા દિલ્હીમાં પ્રદર્શન કરવા જગ્યા આપે.’ દરમિયાન હાલ સરકાર અને ખેડૂત સંગઠનના નેતા ડલ્લેવાલની બેઠક ચાલી રહી છે, તે પહેલા તેમનું આ નિવેદન સામે આવ્યું છે.

સરકાર બહાનાબાજી નીતિ ન અપનાવે : ડલ્લેવાલ

તેમણે કહ્યું કે, ‘સરકાર બહાનાબાજી નીતિ ન અપનાવે, સરકાર આચાર સંહિત પહેલા અમારી માંગણીઓનું નિરાકરણ લાવે. સરકાર હજુ સુધી ખેડૂતોની આ માંગણીઓ માની રહી નથી. ખેડૂતોની મહત્વની માંગણી એમએસપીની ગેરંટીનો કાયદો, ખેડૂતોની લોન માફી, વીજળી કાયદો પરત ખેંચી લેવાની માંગ, ડબલ્યૂટીઓમાંથી ભારતને બહાર રાખો અને જમીન સંપાદન એક્ટમાં સુધારો કરવા જેવી બાબતો સામેલ છે.’

કુલ 12માંથી આઠ મુદ્દા પર મડાગાંઠ

તેમણે કહ્યું કે, ‘સરકારે લખીમપુર ખીરીના પીડિતોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત કહી હતી, પરંતુ તે આજ સુધી અપાયા નથી. મૃતકના પરિવારજનોને નોકરી આપવાનું વચન અપાયું હતું, તે પણ ન પાળ્યું. ખેડૂતોની 12 માંગણીઓમાંથી આઠ હજુ ફસાયેલી છે, જોકે સરકારના મંત્રીઓ બેઠકમાંથી બહાર આવીને કહે છે કે, 90 ટકા માંગ સ્વિકારવામાં આવી છે.’


Google NewsGoogle News