ખેડૂતોની દિલ્હી કૂચને હરિયાણામાં અટકાવાઇ, કાલે ભારત બંધનું એલાન
- સતત બીજા દિવસે પણ ખેડૂતો પર ટીયર ગેસના શેલનો મારો, આજે દિલ્હી તરફ જવા ફરી પ્રયાસ
- શુક્રવારે સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારમાં બંધ પળાશે, ખેડૂતો પર પોલીસ અત્યાચારના વિરોધમાં પંજાબમાં આજે રેલ રોકો આંદોલન : સંગઠનોની જાહેરાત
- ખેડૂતો પર રબર બુલેટનો ઉપયોગ કરાયાના આરોપ, પોલીસ પર પણ પથ્થરમારો, ઘાયલોની સંખ્યામાં વધારો
- ટીયર ગેસના શેલને નિષ્ક્રિય કરવા ખેડૂતો પાણી, કોથળા, બેરલ જ્યારે ડ્રોનને નીચે પાડવા પતંગનો ઉપયોગ કરી રહ્યા છે
નવી દિલ્હી : ટેકાના ભાવ માટે કાયદો, દેવા માફી અને વૃદ્ધ ખેડૂતોને પેંશન સહિતની માગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા ખેડૂતોને દિલ્હી જતા અટકાવવા માટે હરિયાણા પોલીસ દ્વારા ભરપુર બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતો ૧૩મી તારીખે દિલ્હી પહોંચવાના હતા, જોકે હરિયાણા પોલીસે તેમને વચ્ચે જ અટકાવી લીધા છે. હરિયાણાની શંભુ બોર્ડર પર સતત બીજા દિવસે પણ ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. સતત બે દિવસથી ખેડૂતો પર ડ્રોનની મદદથી આંસુ ગેસના શેલનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે હવે રબર બુલેટનો પણ પ્રયોગ કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલો છે. દરમિયાન પંજાબના અન્ય ખેડૂતોએ રેલ રોકો આંદોલનની જાહેરાત કરી દીધી છે. પરીણામે ખેડૂત આંદોલન હજુ લાંબુ ચાલી શકે છે.
બુધવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે ત્રીજી વખત વાટાઘાટો માટે બેઠક યોજાવા જઇ રહી હતી પણ અંતિમ સમયે તેને રદ કરી દેવામાં આવી છે અને ગુરુવારે ફરી આ બેઠક યોજાઇ શકે છે. દરમિયાન ખેડૂતો માગણીઓ પુરી ના થાય ત્યાં સુધી આંદોલન રદ કરવા તૈયાર નથી. પરીણામે બુધવારે પણ હરિયાણાની શંભુ અને જિંદ જિલ્લાની ખાનૌરી સરહદે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. બીજી તરફ ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે આખી હરિયાણા પોલીસ અને અર્ધ સૈન્ય દળના અનેક જવાનોને ખડકી દેવાયા છે. મંગળવારે દિવસ અને રાત્રે પણ આંસુ ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, જ્યારે બુધવારે સવારથી શેલનો મારો શરૂ થયો હતો જે રાત સુધી ચાલ્યો હતો.
ડ્રોનથી ફેંકવામાં આવતા આંસુ ગેસના શેલ જેવા નીચે પડે કે તુરંત જ ખેડૂતો તેના પર બેરલ, ભીનો કોથળો, પાણી વગેરે નાખીને તેને નિષ્ક્રિય કરી રહ્યા છે. જ્યારે કેટલાક ખેડૂતો આકાશમાં ડ્રોનને પતંગથી ટક્કર આપતા જોવા મળ્યા હતા. આંસુ ગેસના સતત મારાને કારણે અનેક ખેડૂતોને આંખોમાં ઇજાઓ પહોંચી છે. જ્યારે શેલ ફાટવાને કારણે કેટલાક ઘાયલ પણ થયા છે. કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે તેમને બુલેટ પણ મારવામાં આવી રહી છે, રબર બુલેટનો પ્રયોગ થયો હોવાના અહેવાલો છે. જેને કારણે ખેડૂતોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પોલીસને અટકાવીને ખેડૂતો પર થઇ રહેલો આ અત્યાચાર રોકે, અમે કાલે પણ વાતચીત માટે તૈયાર હતા અને આજે પણ તૈયાર છીએ. અમે શાંતિથી અમારી માગણીઓ સરકાર સમક્ષ રજુ કરવા માગીએ છીએ પણ સરકાર પોલીસ દ્વારા હુમલા કરાવીને અમને ભડકાવવાનો પ્રયોસ કરી રહી છે. સરકાર ના તો અમારી માગણી સ્વિકારી રહી છે, ના તો અમને દિલ્હી તરફ આગળ વધવા દેવા માગે છે.
બીજી તરફ ૨૦૦થી વધુ ખેડૂત સંગઠનોની સંયુક્ત કમિટી સંયુક્ત કિસાન મોરચા, કેન્દ્રીય ટ્રેડ યુનિયને ૧૬મી તારીખે ભારત બંધનું એલાન કર્યું છે. જ્યારે પંજાબના ખેડૂત સંગઠનોએ રેલ રોકોની હાકલ કરી છે. પંજાબના ભારતી કિસાન યુનિયન (એક્તા ઉગ્રહન)ે જાહેરાત કરી છે કે અમે ગુરુવારે પંજાબના અનેક સ્થળોએ રેલ રોકો આંદોલન કરવા જઇ રહ્યા છે. સંગઠનના પ્રમુખ જોગિંદરસિંહે કહ્યું હતું કે દિલ્હી જઇ રહેલા ખેડૂતો પર હરિયાણામાં અત્યાચાર કરાયો છે, તેમને આગળ વધતા અટકાવવા મોટા અવરોધ ઉભા કરાયા છે. પોલીસની આ આકરી કાર્યવાહીના વિરોધમાં અમે આ રેલ રોકો આંદોલન કરવા જઇ રહ્યા છીએ. ગુરુવારે પંજાબમાં મોટાભાગના વિસ્તારોમાં રેલ વ્યવહાર ઠપ રહેશે.
ખેડૂતોની માગ છે કે ટેકાના ભાવ માટે કાયદો ઘડવાનું વચન પુરુ કરો, ખેડૂતોના દેવા માફી, વૃદ્ધ ખેડૂતો અને ખેત મજૂરોને પેંશન, મનરેગામાં વર્ષે ૨૦૦ દિવસ કામ અને ૭૦૦ રૂપિયા વેજ, સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ કરો, ખેડૂતો સામેના કેસો પરત લેવામાં આવે સહિતની ૧૦થી ૧૫ જેટલી માગણીઓ સરકાર સમક્ષ મુકી છે. ટેકાના ભાવ માટે કાયદો ઘડવા કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ પહેલા કમિટીની રચના કરાઇ હતી જોકે હજુ સુધી કોઇ નિકાલ નથી આવ્યો. ગુરુવારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક યોજાવા જઇ રહી છે.
ભારત બંધમાં જોડાવા સંયુક્ત કિસાન મોરચાની અપીલ, કોંગ્રેસનું સમર્થન
અનેક ખેડૂત સંગઠનોની કમિટી સંયુક્ત કિસાન મોરચાના સભ્ય ડો. દર્શન પાલે કહ્યું હતું કે ૧૬મીએ સમગ્ર દેશમાં ગ્રામીણ ભારત બંધ પાળવામાં આવશે, આ દરમિયાન ગામડાઓ બંધ પાળશે, કોઇ પણ ખેડૂત, ખેત-મનરેગાના મજૂર એક દિવસ માટે કામ પર નહીં જાય. શાકભાજી અને અન્ય ગ્રામીણ વસ્તુઓને એક દિવસ માટે અટકાવી દેવામાં આવશે. અનાજ, શાકભાજી માર્કેટ, સરકારી અને બિનસરકારી કચેરીઓ, ઓફિસ, ગ્રામીણ ઇન્ડસ્ટ્રી, ખાનગી ક્ષેત્રોને અમે બંધમાં સહકારની અપીલ કરી છે. જોકે કોઇ પણ મેડિકલ કે હોસ્પિટલની ઇમર્જન્સીમાં અમે સહકાર આપીશું અને તેને અસર નહીં થવા દઇએ. રોડવેઝ એમ્પ્લોય યુનિયનો પણ તેમાં સામેલ થવાના છે. પરીણામે દેશના કેટલાક હિસ્સામાં ખેડૂતો, વિવિધ સંગઠનો દ્વારા ૧૬મીએ બંધ દરમિયાન ચક્કાજામ કરવામાં આવી શકે છે. પંજાબમાં બંધ દરમિયાન રાજ્ય અને નેશનલ હાઇવે બંધ રહી શકે છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ જોડાઇ શકે છે. જ્યારે ઝારખંડ, કર્ણાટક, તેલંગણા વગેરે રાજ્યોમાં કોંગ્રેસ પણ બંધમાં જોડાઇ રહી છે.
ખેડૂતો સામે સાઉન્ડ કેનનો ઉપયોગ, કાનના પડદા ફાડી નાખે તેવા ડિવાઇસ તૈનાત
દિલ્હી તરફ જઇ રહેલા હજારો ખેડૂતોને હાલ હરિયાણા પોલીસે વચ્ચે અટકાવ્યા છે. જોકે ખેડૂતો આગળ વધવા મક્કમ છે. એવામાં દિલ્હી સરહદે હરિયાણા કરતા પણ વધુ મજબૂત કિલ્લેબંધી કરાઇ છે. સિમેન્ટના બેરિકેડ્સ, રસ્તા પર ખીલા, હેવી વાહનો બાદ હવે દિલ્હી પોલીસે સરહદે સોનિક વેપન પણ તૈનાત કરી દીધા છે. જેને સાઉન્ડ કેનન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવુ હથિયાર છે જેનો ઉપયોગ અત્યંત તિવ્ર અવાજ કરવા માટે થાય છે. આ હથિયારને એલઆરએડીએસ કે લોંગ રેંજ એકોસ્ટિક ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર આ વાહન ટોળા નજીક એટલો તિવ્રત અવાજ કરે છે કે જેનાથી સામે વાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા પર માઠી અસર પહોંચી શકે છે. આ ડિવાઇસને અમેરિકાની સૈન્ય દ્વારા વર્ષ ૨૦૦૦માં તૈયાર કરાયું હતું. દિલ્હી પોલીસને આ હથિયાર ૨૦૧૩માં મળ્યું હતું, જેનો ઉદ્દેશ આંદોલનને વિખેરવાનો છે. આ એવા ડિવાઇસ છે જેનો લાંબા અંતર સુધી ઉપયોગ કરી શકાય છે, જોકે તેનાથી ખેડૂતોના કાનના પડદા ફાટી જવાની પણ ભીતિ છે. દિલ્હીની સિંઘુ, ટિકરી બોર્ડર પર બે વર્ષ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો દિલ્હી પહોંચે તે પહેલા જ બોર્ડરો સીલ કરી દેવાઇ છે, જેને પગલે સતત ત્રીજા દિવસે પણ દિલ્હી-નોઇડા વચ્ચે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આશરે ૧૫૦ મિટરના વિસ્તારમાં બેરિકેડ્સ ખડકી દેવાયા છે.