Get The App

ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ : યમુના એક્સપ્રેસવે કલાકો સુધી જામ રહ્યો

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ : યમુના એક્સપ્રેસવે કલાકો સુધી જામ રહ્યો 1 - image


- જમીન સંપાદન બદલ યોગ્ય વળતરની માગણી સાથે હજારો ખેડૂતો રસ્તા પર

- મનાવવા અધિકારીઓ દોડી આવ્યા, એક સપ્તાહમાં માગણીઓના નિકાલની ખાતરી બાદ ખેડૂતો ધરણા પર બેઠા

- પોલીસે આંદોલનકારીઓને દિલ્હી જતા અટકાવવા એક્સપ્રેસવે પર બેરિકેડ્સ ખડક્યા બાદ ભારે ટ્રાફિક જામ

નોઇડા : ખેડૂતોએ વિવિધ માગણી સાથે દિલ્હી ચલો માર્ચ કાઢી હતી, જેને પગલે દિલ્હી નોઇડા સરહદે હજારો ખેડૂતો એકઠા થયા હતા. આ આંદોલનને પગલે નોઇડા અને આસપાસના વિસ્તારોમાં કલાકો સુધી ભારે ટ્રાફિક જામ રહ્યો હતો. આ આંદોલન કિસાન મઝદૂર મોરચા, સંયુક્ત કિસાન મોરચા, ભારતીય કિસાન પરીષદ સહિતના સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોનો આરોપ છે કે સરકારે તેમની જમીનનું સંપાદન કર્યું પરંતુ તેમને યોગ્ય વળતર નથી આપવામાં આવ્યું. 

ખેડૂતોને દિલ્હી જતા રોકવા માટે યમુના એક્સપ્રેસવે પર મોટી સંખ્યામાં બેરિકેડ્સ ખડકી દેવામાં આવ્યા હતા. જેને પગલે પણ ભારે ટ્રાફિક જામ થયો હતો. કેટલાક મુસાફરોએ પોતાના વાહનોને સ્થળ પર જ છોડીને મેટ્રોમાં કામ પર જવાનું પસંદ કર્યું હતું. સવારથી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. જેમને બાદમાં વચ્ચે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. કલાકો સુધી પોલીસ અને ખેડૂતો આમને સામને રહ્યા હતા. બાદમાં પોલીસ અને ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓએ ખેડૂતોની સાથે વાતચીત કરીને મામલાને થાળે પાડયો હતો અને ખેડૂતો એક્સપ્રેસ વે પરથી હટી ગયા હતા અને દલિત પ્રેરણા સ્થળ પર ધરણા માટે બેસી ગયા હતા. જે બાદ ટ્રાફિક ખોલવામાં આવ્યો હતો. જોકે આ પહેલા એક્સપ્રેસ વે પર બેરિકેડ્સ ખડકી દેવાયા હોવાથી ખેડૂતો કે નાગરિકો આગળ નહોતા વધી શક્યા અને આ દરમિયાન સમગ્ર એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.  

ખેડૂતોની માગણી છે કે જુના વળતર કાયદા મુજબ ખેડૂતોને તેમની જમીન કપાતનુ વળતર આપવામાં આવે જે હાલના વળતર કરતા ૬૪ ટકા વધુ છે. ખેડૂતોની આ માગણી યમુના એક્સપ્રેસવે, ગ્રેટર નોઇડા, નોઇડા આસપાસની કપાતમાં ગયેલી જમીનોને લઇને છે. જેમાં ૧૦ ટકા પ્લોટ, ૨૦૧૩ના જમીન સંપાદનના નિયમો લાગુ કરવા, ડિમોલિશનના નામ પર બુલડોઝર ચલાવવા પર રોક, જે ખેડૂતો જમીન વિહોણા થઇ ગયા હોય તેમના સંતાનોને રોજગારી અને પુન: વ્યવસ્થાપન વગેેરેનો સમાવેશ થાય છે. ખેડૂતોને આગળ જતા અટકાવવા માટે નોઇડા પ્રશાસન અને સિવિલ વહિવટી વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને લેખિતમાં ખેડૂતોની માગણીનો સ્વીકાર કરવાની ખાતરી આપી હતી અને એક સપ્તાહમાં આ મામલે ખેડૂતોના પ્રતિનિધિઓ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ વચ્ચે બેઠક યોજવાની પણ હૈયાધારણા આપી હતી. જોકે ખેડૂતોને હાલ આંદોલન અટકાવી દીધુ હતું અને દલિત પ્રેરણા સ્થળ પર ધરણા પર બેસી ગયા હતા. હવે જ્યાં સુધી સચિવ સાથે બેઠકમાં કોઇ નિકાલ ના આવે ત્યાં સુધી ખેડૂતો આ ધરણા શરૂ રાખશે તેવું એલાન કરવામાં આવ્યું હતું. સાથે જ કહ્યું હતું કે જો અધિકારીઓ ખાતરી આપી તે મુજબ મુખ્ય સચિવ સાથે બેઠક યોજવામાં ના આવી તો એક સપ્તાહ બાદ દિલ્હી તરફ કૂચ કરવામાં આવશે.


Google NewsGoogle News