ફરી ખેડૂતો દિલ્હીને ઘેરશે, કલમ 144 લાગુ, રેલવે સ્ટેશન-બસ સ્ટેશન પર ભારે સુરક્ષાદળો તહેનાત
ખેડૂતોના વિરોધનું નેતૃત્વ બે ખેડૂત સંગઠનો 'કિસાન મજદૂર મોરચા' (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) દ્વારા કરવામાં આવી રહ્યું છે
Farmers Protest News : પંજાબમાં વિવિધ ખેડૂત સંગઠનોએ 'દિલ્હી ચલો' કૂચનું આહ્વાન કર્યું છે. આ બુધવારે ફરી એકવાર મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અમે રાજધાનીના રેલવે સ્ટેશનો અને ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ (ISBT) પર સુરક્ષા કડક કરી દીધી છે. આવતા-જતા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ કૂચ માટે સંપૂર્ણ તૈયાર હોય તેમ લાગી રહ્યું છે.
ખેડૂતોના દેખાવોનું બે સંગઠન કરશે નેતૃત્વ
ખેડૂતોના વિરોધનું નેતૃત્વ બે ખેડૂત સંગઠનો 'કિસાન મજદૂર મોરચા' (KMM) અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) દ્વારા કરવામાં આવી રહ્યું છે. 3 માર્ચે, બંને સંગઠનોએ દેશભરના ખેડૂતોને બુધવારે મોટી સંખ્યામાં દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી. દિલ્હી આવવા માટે તેઓએ ટ્રેન અને બસનો સહારો લેવાની અપીલ કરાઇ હતી. પ્રસ્તાવિત દેખાવોને કારણે દિલ્હી પોલીસે ટિકરી, સિંઘુ અને ગાઝીપુર સરહદો પર પણ સુરક્ષા વધારી દીધી છે. આ સિવાય રાજધાનીના તમામ મેટ્રો સ્ટેશન પર પણ નજર રાખવામાં આવી રહી છે.
પ્રદર્શનકારીઓ માટે રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર પોલીસ તૈનાત
અહેવાલ મુજબ, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાની જાણકારી ધરાવતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ટીમો તૈનાત કરવામાં આવી છે, જે શહેરમાં પહોંચનારા દેખાવકારોની ધરપકડ કરશે. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર મહત્તમ પોલીસ તૈનાત કરવામાં આવી છે, કારણ કે ખેડૂત સંગઠનોએ ખેડૂતોને આના દ્વારા જ દિલ્હી જવા માટે કહ્યું છે. ખેડૂતોને હજુ સુધી દિલ્હી આવવાનો મોકો મળ્યો નથી.
દિલ્હીમાં કલમ 144 લાગુ
નામ ન જાહેર કરવાની શરતે અધિકારીએ કહ્યું, 'દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત એક વિસ્તારમાં ચાર કે તેથી વધુ લોકોને ભેગા કરવાની મંજૂરી નથી. પોલીસ દળોની વધારાની કંપનીઓ તમામ સંભવિત સ્થળોએ તૈનાત કરવામાં આવી છે જ્યાં દેખાવકારો એકઠા થઈ શકે છે.