સરહદે પાકની ચોરી કરતા બાંગ્લાદેશીઓ પર ભારતીય ખેડૂતો વિફર્યા, BSFએ મામલો થાળે પાડ્યો
India-Bangladesh Border: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલાની અસર ભારત અને બાંગ્લાદેશ સરહદે પણ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ અને ભારતની સરહદે બંને દેશોના ખેડૂતો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે, બીએસએફ અને અન્ય સુરક્ષા દળોના જવાનોએ ખેડૂતો વચ્ચેના વિવાદને શાંત પાડ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બંગાળના માલદાની સુકદેવપુર બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં બાંગ્લાદેશી ખેડૂતો પર ભારતીય ખેડૂતોએ પાક ચોરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારતીય ખેડૂતોએ આ મુદ્દે બાંગ્લાદેશી ખેડૂતો સાથે વાત કરી હતી. જે દરમિયાન આ બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને બંને ખેડૂતો સામસામે આવી ગયા હતાં. આ વિસ્તારમાં તાર ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, અમુક કારણોસર તે થોડા સમય માટે અટકાવી દેવાયું હતું. હવે તાર ફેન્સિંગનું કામ ફરી હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી હોવાની આશંકા, મુંબઈ પોલીસે સાચું નામ જાહેર કર્યું
બીએસએફ જવાને મામલો થાળે પાડ્યો
બીએસએફ જવાનોએ બંને ખેડૂતો વચ્ચેનો મામલો થાળે પાડ્યા બાદ નિવેદન જાહેર કર્યું હતું. જેમાં ખેડૂતોને કહેવામાં આવ્યું કે, પાકની ચોરીનો કે ખેતી સાથે સંકળાયેલો સરહદનો કોઈ મામલો બીએસએફ સમક્ષ ઉઠવવો. અમે તેનું નિરાકરણ લાવી આપીશું.
નોંધનીય છે કે હાલ, ખેડૂતો વચ્ચેનો વિવાદ તો શાંત થઈ ગયો હતો. પરંતુ, બાંગ્લાદેશ સરહદે કેટલાંક લોકો નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતાં, જેને બાંગ્લાદેશી સુરક્ષાદળોએ અટકાવીને પરત મોકલી દીધા હતાં. હાલમાં બાંગ્લાદેશમાં શેખ હસીનાના શાસનના અંત બાદ ત્યાં હિન્દુઓ સામેનો હુમલા વધી ગયા છે. આ સ્થિતિ વચ્ચે ભારત હાલ બાંગ્લાદેશની ખુલ્લી સરહદે તાર ફેન્સિંગ કરાવી રહ્યું છે.