આ વખતે નવી 10 માગણીઓ લઇને ખેડૂતો દિલ્હી જવાના છે, તેમને રોકવા પોલીસે ગજબની તૈયારી કરી છે

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
આ વખતે નવી 10 માગણીઓ લઇને ખેડૂતો દિલ્હી જવાના છે, તેમને રોકવા પોલીસે ગજબની તૈયારી કરી છે 1 - image


- પોલીસ ગામે ગામ જઈ લોકોને ઘેરાબંધમાં ન જોડાવા કહે છે

- કલમ 144 અમલી

- આજથી કૂચ શરૂ થશે, સિમેન્ટ કોંક્રિટ બેરીકેડઝ લગાડાઈ ગયાં છે, નહેરો ઊંડી ખોદાઈ ગઈ છે, સડકો ઉપર ખીલ્લા પથરાયા છે

નવી દિલ્હી : ૨૦૨૦માં થયેલું ખેડૂત-આંદોલન ભૂલાય તેવું નથી. ખેડૂતોએ મહિનાઓ સુધી દિલ્હીની તમામ સીમાઓ બંધ કરી હતી. તેમાં ભારે પ્રદર્શનો પણ થતાં ૭૦૦ ખેડૂતોનાં મૃત્યુ પણ થયા. ખેડૂતો સરકારે રચેલા કૃષિ ક્ષેત્ર સંબંધી ત્રણે કાયદાઓ પાછા ખેંચવા માગણી કરતા હતા. છેવટે સરકાર ઝુકી અને તે કાયદાઓ પાછા ખેંચ્યા હતા. તેથી આંદોલન શમી ગયું.

ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી કૂચ કરવા નિર્ણય કર્યો છે. આવતીકાલ ૧૩ ફેબુ્ર. થી આ કૂચ શરૂ થવાની છે. તે પહેલાં પોલીસ ગામડે ગામડે ફરી આ નિરર્થક કૂચમાં ન જોડાવા લોકોને સમજાવી રહી છે.

ગયા વખતે તો સરકારે ૩ કાનૂનો ખેંચી આંદોલન અટકાવ્યું હતું આ વખતે તેઓ કુલ ૧૦ માગણીઓ લઈને કૂચ શરૂ કરવાના છે. તે માગણીઓ આ પ્રમાણે છે :

(૧) ન્યૂનતમ ટેકાના ભાવ માટે કાનુન રચવો. (૨) સ્વામીનાથન આયોગની ભલામણો અમલી કરાય. (૩) ખેડૂતોના દેવા માફ કરાય. (૪) લખીમપુર ખીરીની હિંસાના પીડિતોને તુર્ત જ ન્યાય આપવામાં આવે. (૫) ભારતે વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી ખસી જવું જોઈએ અને મુક્ત વ્યાપાર સમજૂતી પર પ્રતિબંધ મુકવો જોઈએ. (૬) કૃષિ ઉત્પાદનો, દૂધ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને માંસની આયાત-ડયુટી કમ કરવી હોય તો તે માટે ભથ્થું (ખેડૂતોને) વધારી આપવું પડે. (૭) ૫૮ વર્ષથી વધુ વયના ખેત મજૂરો માટે પેન્શન યોજના લાગુ કરી દર મહિને ૧૦ હજાર રૂપિયાનું પેન્શન આપવું જોઈએ. (૮) વડાપ્રધાન પાક-વિમા યોજનામાં સુધારો કરવા માટે સરકારે પોતે જ વીમા પ્રીમીયમ ભોગવવું જોઈએ. પાકમાં થયેલા નુકસાનનું આકલન કરતી વખતે એક એકરનું એકમ (યુનિટ) મૂળભૂત ગણવું પડે, એ તે ઉપરથી નુકસાનનું આકલન (ગણતરી) કરવી પડે. (૯) ભૂમિ અધિગ્રહણ અધિનિયમ, ૨૦૧૩ આ માગણીઓનો અમલ શરૂ થાય તે તારીખથી જ અમલી કરવો જોઈએ. (૧૦) કીટનાશક, બીજ અને ઉર્વરક (ખાતર) અધિનિયમમાં સંશોધન કરી, કપાસ સહિત તમામ પાકના બીજની ગુણવત્તામાં સુધારો કરવામાં આવે.

આ માગણીઓ તેવી છે કે કે, તે દસે દસનો સંપૂર્ણ રીતે અમલ થઈ શકે તેમ જ નથી. તેથી સરકાર દિલ્હીની સીમા સુરક્ષિત રાખવા ગાઝીપુર બોર્ડર, ટિકરી બોર્ડર અને સિંધુ બોર્ડર ઉપર કલમ ૧૪૪ લાગુ કરી હતી. પછીથી એવું પણ જાણવા મળ્યું છે કે, સમગ્ર શહેરમાં ૧૩મીથી કલમ ૧૪૪ લાગુ કરાશે. જેથી પાંચથી વધુ લોકોને એકઠા થવા દેવામાં નહીં આવે. સીમા પરથી પસાર થતાં તમામ વાહનોની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, સિમેન્ટ કોંક્રીટના બેરીકેડઝ (આડસો) બનાવવામાં આવ્યા છે. સાથે હરિયાણા અને પંજાબ બોર્ડર ઉપર પોલીસની સતર્કતા વધારવામાં આવી છે. નહેરોમાં પાણી છોડી તે બંને કાંઠે છલોછલ બનાવી દેવાઈ છે. સાથે સડકો ઉપર ખીલા પણ પાથરવામાં આવ્યા છે. આમ પાટનગર કિલ્લેબંધ જેવું બનાવી દેવાયું છે.


Google NewsGoogle News