ધોતિયું અને ઝભ્ભો પહેરેલા ખેડૂતને શોપિંગ મોલમાં ગાર્ડે અટકાવ્યા, પુત્ર સાથે આવ્યા હતા મૂવી જોવા
સુરક્ષા ગાર્ડ પ્રવેશ માટે પેન્ટ પહેરલું હોવું જરુરી હોવાનું જણાવ્યું હતું
દરેક સંસ્કૃતિના લોકોની ઇજ્જત થવી જરુરી- લોકોએ રોષ પ્રગટ કર્યો
બેંગ્લોર,૧૯ જુલાઇ,૨૦૨૪,શુક્રવાર
ભારત હજુ પણ શહેરો કરતા ગ્રામીણ વિસ્તારોમાં વધુ લોકો રહે છે. જેમાંના ઘણા ખેતી કરે છે અને સાદૂ જીવન જીવે છે. કપડા પણ ધોતીયું અને પહેરણ હોય છે. બેગ્લોરમાં એક એવી ઘટના બની છે જેમાં શોપિંગ મોલમાં ધોતીયું પહેરેલી ગ્રામીણ વ્યકિતને અટકાવવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. ભારતમાં તમામ પ્રકારની સંસ્કૃતિ રહે છે દરેકની ઇજ્જત થવી જરુરી છે એવી લોકો પ્રતિક્રિયા આપી રહયા છે.
ગૌહરખાને આ વીડિયો શેર કરતા પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રતિક્રિયા આપી હતી કે આ બિલકુલ શરમજનક છે. મોલવાળાની વિરુધ સખ્ત કાર્યવાહી થવી જોઇએ. આ ભારત છે તમામ સંસ્કૃતિના લોકોનો આદર થવો જરુરી છે. કિસાનનું નામ ફકીરપ્પા છે જેમને બેંગ્લોરના મગદી મેન રોડના જીટી મોલમાં કડવો અનુભવ થયો હતો. ધોતી અને સફેદ કુર્તો પહેરેલો હતો જે પ્રવેશ પ્રતિબંધનું કારણ બની ગયો. તેઓ પોતાના પુત્ર સાથે મોલમાં મૂવી જોવા માટે આવ્યા હતા. મૂવી જેવા માટેની તેમની પાસે ટિકિટ પણ હતી.
મોલને ગેટ પર સુરક્ષાગાર્ડે વડિલ આદમીને સૂચના આપી કે કોમ્પલેક્ષમાં પ્રવેશ કરવા માટે પેન્ટ પહેરેલો હોય તે જરુરી છે. આ ઘટના વાયરલ થયા પછી બુધવારે મોલ માલિક અને સુરક્ષાગાર્ડ વિરુધ ભારતીય ન્યાય સહિતા (બીએનએસ) ની કલમ ૧૨૬ (૨) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કર્ણાટક સરકારે શોપિંગ કોમ્પલેક્ષને એક સપ્તાહ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. કન્નડ અને કિસાન સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.