'શંભુ બોર્ડરને પાકિસ્તાન બોર્ડર જેવી બનાવી દીધી': ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવા પર ભડક્યા બજરંગ પૂનિયા
Farmer Protests Shambhu Border: MSP સહિતની વિવિધ માગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી રહેલા 101 ખેડૂતો અને પોલીસ વચ્ચે શંભુ બોર્ડર પર ઘર્ષણ થઈ ગયું હતું. જ્યારે ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો, જેમાં ઘણા ખેડૂતો ઘાયલ થયા છે. આંદોલનકારી ખેડૂતો 13મી ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પાકિસ્તાન બોર્ડર જેવું કરવામાં આવી રહ્યું
હવે આ ઘટનાને લઈને પહેલવાન અને કોંગ્રેસ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગ પૂનિયાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, એક તરફ સરકાર કહી રહી છે કે, અમે ખેડૂતોને રોકી નથી રહ્યા પરંતુ બીજી તરફ તેઓ ટીયર ગેસના શેલ અને વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે.
અમે હંમેશા ખેડૂતોનું સમર્થન કરીશું
બજરંગ પૂનિયાએ આગળ કહ્યું કે, શંભુ બોર્ડર પર એવું કરવામાં આવી રહ્યું છે જેવું પાકિસ્તાન બોર્ડર પર કરવામાં આવે છે. જ્યારે નેતાઓ વિરોધ કરવા માટે દિલ્હી જાય છે તો શું તેઓ મંજૂરી લે છે? ખેડૂતો માત્ર પોતાના પાક માટે MSP ઈચ્છે છે. અમે હંમેશા ખેડૂતોનું સમર્થન કરીશું.
આ પણ વાંચો: આજે ફરી દિલ્હી કૂચ કરશે ખેડૂતો: અંબાલામાં ઈન્ટરનેટ બંધ, બોર્ડર પર સુરક્ષા બંદોબસ્ત
હરિયાણાથી ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગડાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, જ્યાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો ત્યાંથી 700 છોકરીઓ ગાયબ થઈ ગઈ છે. તેના જવાબમાં બજરંગ પુનિયાએ કહ્યું કે, 'ભાજપ કહી રહી છે કે, 700 છોકરીઓ ગાયબ થઈ ગઈ છે. આ વાહિયાત વાતો છે. તેઓ કહી રહ્યા છે કે, પંજાબમાંથી ડ્રગ્સ ફેલાવવામાં આવ્યું, ડ્રગ્સ તો ગુજરાતના બંદરોમાં લાખો કરોડનું મળી રહ્યું છે. ત્યાં તો તેઓ કંઈ નથી બોલતા.