ચોથી બેઠક નિષ્ફળ થતાં ખેડૂતો લડાયક મૂડમાં, આધુનિક મશીનો સાથે આજથી ફરી 'દિલ્હી ચલો' કૂચ
આજે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ, બોર્ડર પર સાતથી આઠ બુલેટપ્રુફ મશીનો પહોંચ્યા
ખેડૂતોની જાહેરાત અને તૈયારીના પગલે પોલીસે પણ બંદોબસ્ત વધુ કડક બનાવી બેરિકેડની સંખ્યા વધારી દીધી
Farmer Protest : લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવા સહિતની માંગ મુદ્દે ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે ચોથા તબક્કાની બેઠક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોએ ફરી દિલ્હી (Delhi) કૂચ શરૂ કરવાની જાહેરાત કરી છે. સરકારના જવાબની રાહ જોઈને પંજાબની બોર્ડર (Punjab Border) પર બેઠેલા ખેડૂતો સંગઠનોએ ગઈકાલે જ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી દીધા બાદ આજે તેઓ ડબવાલી પાસે પહોંચી ગયા છે. પોલીસે સિરસા જિલ્લામાં બંદોબસ્ત વધુ કડક બનાવી બેરિકેડની સંખ્યા પણ વધારી દીધી છે.
બેરિકેડ તોડવા જેસીબી અને પોકલેન મશીનો બોર્ડર પર લવાયા
શંભુ બોર્ડર (Shambhu Border) પર સિમેન્ટના બેરિકેડ તોડવા જેસીબી મશીનો અને પોકલેન મશીનો પણ પહોંચી ગયા છે. આ ઉપરાંત મશીનના ઓપરેટરોને ટીયર ગેસ અને રબ્બરની બુલેટથી બચાવવા મશીનોને મોડિફાઈ પણ કરાયા છે. લોખંડની મોટી મોટી શીટ્સથી આખી કેબિનને ફુલપ્રૂફ કરી દેવાઈ છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે, મશીનની કેબિનો બુલેટ પ્રુફ છે અને અમે કરો અથવા મરોના વિચાર સાથે આવ્યા છીએ.
આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેત
મળતા અહેવાલો મુજબ ખેડૂતોએ સાતથી આઠ ફુલપ્રુફ મશીનો બનાવી છે, જેને શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર તહેનાત કરવામાં આવી રહી છે. ખેડૂતો આવતીકાલે સવારે 11.00 કલાકે બોર્ડર પર પહોંચસે અને સિમેન્ટના બેરિકેડ તોડી આગળ વધવાનો પ્રયાસ કરશે, જેના કારણે આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેત જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, પોલીસ મહાનિર્દેશક શત્રુજીત કપૂરે રવિવારે હરિયાણા-પંજાબના સરહદી વિસ્તારોમાં પહોંચી સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યારબાદ તેમણે સિરસા, ડબવાલી અને ફતેહાબાદના પોલીસ અધિક્ષકોને સુરક્ષા બંદોબસ્ત વધુ કડક બનાવવા આદેશ આપ્યો હતો.