દેવા માફી, ટેકાના ભાવ સિવાય બીજો પણ એક મુદ્દો છે, જેના કારણે ખેડૂતો સાથેના વિવાદનો અંત નથી આવતો
ખેડૂત આંદોલનના 15માં દિવસે પણ સ્થિતિ જેમની તેમ, ચાર વખત યોજાયેલી બેઠક પણ નિષ્ફળ
Farmer Protest : 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ખેડૂત આંદોલનનો આજે 15મો દિવસ છે. હરિયાણા (Haryana) અને પંજાબ (Punjab) સહિતના રાજ્યોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતોના ‘દિલ્હી કૂચ’ કરવાના પ્રયાસને પગલે ટીકરી, સિંધુ અને ગાજીપુર બોર્ડર પર પણ પોલીસ જવાનો સહિત સુરક્ષા દળ પણ તહેનાત રખાયા છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે સૌથી વધુ ઘર્ષણ સિંઘુ બોર્ડર (Singhu Border) પર જોવા મળી રહ્યું છે. ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવા સહિતની માંગ મુદ્દે ખેડૂત પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે 15 દિવસમાં ચાર વખત બેઠક યોજાઈ છે, પરંતુ તમામ બેઠકો નિષ્ફળ ગઈ છે. ખેડૂતોની માંગમાં એમએસપી અને ખેડૂતોના દેવા માફ કરવા માટે કાયદાકીય ગેરંટી ઉપરાંત વધુ એક મહત્વનો મુદ્દો પણ સામેલ છે, જેના કારણે ખેડૂત પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રીઓની પેનલ વચ્ચે વાત આગળ વધી શકી નથી.
એક મુદ્દાના કારણે ખેડૂતો-મંત્રીઓ વચ્ચે વાત આગળ ન વધી
ચંડીગઢમાં બંને પક્ષો વચ્ચે ચોથી વખત બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રીઓએ 2020ના આંદોલનમાં ખેડૂતો સામે થયેલા તમામ કેસ પરત ખેંચી લેવા વચન આપ્યું હતું. ત્યારબાદ એવું જાણવા મળ્યું છે કે, તેમણે 2021માં લાલ કિલ્લા પર થયેલી હિંસા મામલે આવું કરવાનો ઈન્કાર કરી દીધો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021માં 26 જાન્યુઆરીએ ખેડૂતો ટ્રેક્ટર પરેડ કરી લાલ કિલ્લા પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હિંસા (Red Fort Violence) અને અરાજકતા ફેલાવી હતી. આ હિંસા મામલે દિલ્હીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં 54 કેસ નોંધાયા હતા.
હિંસાના જઘન્ય કેસો પાછા ન લેવાની વાત કહેવાઈ
સરકારના ઘણા સૂત્રોએ કહ્યું કે, કેન્દ્રીય મંત્રીઓએ લાલ કિલ્લા સંબંધિત કેસો પાછા ખેંચવાનો ઈન્કાર કરી દીધો છે. તે અંગે ખેડૂતોએ કારણ પૂછ્યું છે. બેઠક સાથે સંકળાયેલા એક સૂત્રોએ કહ્યું કે, ‘કેન્દ્રીય મંત્રીઓએ કહ્યું કે, જધન્ય કેસો પાછા ખેંચાશે નહીં. ખેડૂત નેતાઓએ પૂછ્યું કે, શું લાલ કિલ્લા હિંસાને જધન્ય ગુનાની શ્રેણીમાં રખાયું છે? તો આ મામલે તેમણે હા કહ્યું છે.’