ખેડૂત આંદોલન, શીખ અને હવે કૃષિ કાયદો... કંગનાના નિવેદનો ભાજપ માટે માથાનો દુઃખાવો
Kangana Ranaut's Controversial Statements: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રણૌત ફરી ચર્ચામાં છે. તેમણે રદ કરવામાં આવેલા 3 કૃષિ કાયદા ફરીથી લાગુ કરવાની માગ કરી છે. કંગનાના આ ન્વેદન પર વિપક્ષ તેના પર પ્રહાર કરી રહ્યું છે અને તેનો વિરોધ કરી રહ્યું છે. જોકે, આ પહેલી વખત નથી જ્યારે કંગનાએ ખેડૂતો સાથે સબંધિત મામલે ટિપ્પણી કરી છે. ત્રણ વર્ષ પહેલા તેમણે મહિલા આંદોનલકારીઓ પર પૈસા લઈને ધરણા પર બેસવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમણે શીખો અંગે પણ વિવાસ્પદ ટિપ્પણી કરી હતી. મહિનાની અંદર જ આ બીજી ઘટના છે જ્યારે ભાજપે કંગનાની ટિપ્પણીઓને ખુદથી અલગ કરી દીધી છે. આ વખતે પણ ભાજપે કંગનાના નિવેદનને તેમનું 'વ્યક્તિગત નિવેદન' ગણાવી દીધું છે.
કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી ભાજપ સાંસદ છે. તેઓ આ જ વર્ષે ભાજપમાં સામેલ થયા હતા. કંગનાએ લોકસભા ચૂંટણીમાં પોલિટિકલ ડેબ્યુ કર્યું અને કોંગ્રેસ નેતા તથા હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા હતા. વિક્રમાદિત્ય પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે. વિક્રમાદિત્યના માતા પ્રતિભા સિંહ મંડીથી કોંગ્રેસ સાંસદ રહ્યા છે.
કંગનાના વિવાદાસ્પદ નિવેદનો......
24 સપ્ટેમ્બર 2024
ભાજપ સાંસદ કંગના રણૌતે મંગળવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદા ફરીથી લાગુ કરવાની માગ કરીને વિવાદ ઊભો કરી દીધો છે. કંગનાએ કહ્યું કે, ખેડૂતોએ ખુદ આ કાયદા લાગુ કરવાની માગ કરવી જોઈએ. મને ખબર છે કે, આ નિવેદન વિવાદાસ્પદ થઈ શકે છે પરંતુ ત્રણેય કૃષિ કાયદા ફરીથી લાગુ કરવા જોઈએ. ખેડૂતો માટે ત્રણેય કાયદા ફાયદાકારક હતા પરંતુ કેટલાક રાજ્યોમાં ખેડૂત સંગઠનોના વિરોધના કારણે સરકારણે તેને રદ કરી દીધા. ખેડૂત દેશના વિકાસમાં શક્તિનો સ્તંભ છે. હું તમને અપીલ કરવા માગુ છું કે, તેઓ પોતાના ફાયદા માટે કાયદાને પાછા લાગુ કરવાની માગ કરે.
25 ઓગષ્ટ 2024
કંગનાએ એવું કહીને વિવાદ ઊભો કર્યો હતો કે ખેડૂતોના આંદોલન દ્વારા ભારતમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાવાની તૈયારીઓ હતી. તેમણે કહ્યું કે, જો આપણું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત તો જે બાંગ્લાદેશમાં બન્યું છે તે અહીં (ભારત) થવામાં પણ લાંબો સમય ન લાગ્યો હોત. અહીં જે ખેડૂત આંદોલનો થયા ત્યાં લાશો લટકતી હતી, અહીં રેપ થઈ રહ્યા હતા. ખેડૂતોની મોટી યોજના હતી, જેવું બાંગ્લાદેશમાં થયું. તમને શું લાગે આ પ્રકારના ષડયંત્ર ખેડૂતોએ રચ્યા હતા? ચીન, અમેરિકા જેવી વિદેશી શક્તિઓ અહીં કામ કરી રહી છે.
જો કે, કંગનાના આ નિવેદન બાદ ભાજપે સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ પાર્ટીનો અભિપ્રાય નથી. પાર્ટીના નીતિગત વિષયો પર બોલવા માટે કંગના રનૌતને ન તો મંજૂરી છે અને ન તો તેઓ નિવેદન આપવા માટે અધિકૃત છે. ભાજપ દ્વારા કંગના રણૌતને ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
નવેમ્બર 2021
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી ત્યારે કંગનાએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું અને ખેડૂતોના આંદોલનને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે આવા આંદોલનોથી ભારત નબળું પડી રહ્યું છે અને ખેડૂતોએ પોતાના હિત માટે રાષ્ટ્રના હિતોની અવગણના કરી છે.
ફેબ્રુઆરી 2021
ખેડૂત આંદોલનના સમર્થનમાં જ્યારે ઈન્ટરનેશનલ હસ્તીઓ પોપ સ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગે ટ્વીટ કર્યું ત્યારે કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ભારતને બદનામ કરવાના ષડયંત્રનો હિસ્સો છે. તેમણે રિહાનાને 'મૂર્ખ' અને ખેડૂતોના આંદોલનને 'આતંકવાદ' ગણાવી દીધુ હતું. કંગનાએ લખ્યું હતું કે, કોઈ આ વિશે વાત એટલા માટે નથી કરી રહ્યા કારણ કે તેઓ ખેડૂતો નથી તેઓ આતંકવાદી છે, જેઓ ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી ચીન આપણા દેશ પર કબજો કરી શકે.
હકીકતમાં રિહાનાએ 2 ફેબ્રુઆરી 2021ના રોજ CNNની એક સ્ટોરીની લિંક શેર કરીને લખ્યું હતું કે, અંતે આપણે આ વિશે કેમ વાત નથી કરી રહ્યા? આ ટ્વીટ સાથે તેમણે #FarmersProtest પણ લગાવ્યું હતું.
નવેમ્બર 2021
કંગનાએ ખેડૂત આંદોલનમાં સામેલ કેટલાક લોકો પર ખાલિસ્તાની આતંકવાદી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, દેશને વિભઆજિત કરવા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને તેમાં ખાલિસ્તાની તત્વ સામેલ છે. તેમણે આને દેશને તોડવાનું કાવતરું ગણાવ્યું હતું. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ખાલિસ્તાની આતંકવાદીઓ આજે દેશને પરેશાન કરી રહ્યા છે. પરંતુ આપણે એક મહિલાને ન ભૂલવી જોઈએ. એકમાત્ર મહિલા વડાપ્રધાન જેમણે પોતાના જૂતા નીચે તેમને કચડી નાખ્યા હતા. ભલે આ દેશને કેટલી પણ તકલીફ કેમ ન આપી હોય. તેમણે પોતાના જીવની કિંમત પર તેમને મચ્છરની જેમ કચડી નાખ્યા..પરંતુ દેશના ટૂકડા ન થવા દીધા. આ નિવેદન બાદ શીખ સમદાયમાં ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. કંગના વિરુદ્ધ ઘણી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ નિવેદને પણ ભાજપની મુશ્કેલી વધારી દીધી હતી. શીખ સમદાયને ભાજપનો મહત્વપૂર્ણ સમર્થન આધાર માનવામાં આવે છે.
ડિસેમ્બર 2020
કંગનાએ કિસાન આંદોલનમાં સામેલ વૃદ્ધ મહિલા આંદોલનકારીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, આ મહિલાઓ પૈસા લઈને આંદોલનમાં સામેલ થઈ રહી છે. તેમણે શાહીન બાગની દાદીનો ઉલ્લેખ કરીને એક મહિલાને પણ ટાર્ગેટ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ 100-100 રૂપિયા લઈને પ્રદર્શન કરે છે. કંગનાના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો અને ભાજપની અંદર અસહજ સ્થિત ઉત્પન્ન થઈ ગઈ હતી.
કંગનાએ કથિત રીતે પંજાબની એક મહિલા ખેડૂતની ખોટી ઓળખ કરીને તેમને બિલકિસ બાનો ગણાવી હતી. જો કે, તે 80 વર્ષની વૃદ્ધ મહિલા ખેડૂત હતી. હકીકતમાં, બિલકિસ બાનો નામની એક મહિલાએ અગાઉ દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન ઈન્ટરનેશનલ સ્તર પર ચર્ચામાં આવી હતી. કંગનાએ એક ટ્વીટ શેર કર્યું હતું, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે 'શાહીન બાગ દાદી' પણ દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનમાં સામેલ થયા છે. તેમણે બિલકિસ બાનો સહિત બે વૃદ્ધ મહિલાઓની તસવીરો સાથેની પોસ્ટને રીટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે, 'આ એ જ દાદી છે જે ટાઈમ મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ છે અને આ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે.'
કેગનાએ જે ટ્વીટ કર્યું હતું તેમાં એક વૃદ્ધ મહિલા દેખાઈ રહ્યા હતા જે ભલે ઝૂકીને ચાલી રહ્યા હતા પરંતુ તેમણે ખેડૂત આંદોલનનો ઝંડો બુલંદ કર્યો હતો. તેમનું નામ મોહિન્દર કૌર હતું. બાદમાં ખબર પડી કે બંને મહિલા અલગ-અલગ છે. ત્યારબાદ કંગનાએ ટ્વીટ હટાવી દીધું હતું.
કંગનાના આ નિવેદનને ખેડૂતો અને મહિલાઓ માટે અપમાનજનક માનવામાં આવ્યા હતા. આ વર્ષે જ ચંદીગઢ એરપોર્ટ પર CISFની એક મહિલા કોન્સ્ટેબલે કંગનાને થપ્પડ માર્યો હતો. મહિલા કોન્સ્ટેબલનું કહેવું હતું કે, મારી માતાએ ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં હિસ્સો લીધો હતો અને કંગનાના પૈસા લઈને આંદોલનમાં સામેલ થવા વાળા નિવેદનથી મને ઠેસ પહોંચી છે.
ભાજપ માટે શું મુશ્કેલી?
કંગનાએ મહિનાની અંદર જ કિસાન આંદોલન સાથે સબંધિત મામલે બીજી વખત નિવેદન આપ્યું છે. બંને વખત ભાજપે તેમના નિવેદનથી પાર્ટીને અલગ કરી છે. કંગનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ભાજપ ત્યાં સત્તા વિરોધી લડાઈ લડી રહી છે. જ્યારે કંગનાએ ઓગસ્ટમાં નિવેદન આપ્યું હતું ત્યારે પાર્ટીએ તેને કડક સૂચના પણ આપી હતી પરંતુ ત્યારબાદ નવા નિવેદનથી વિપક્ષને પ્રહાર કરવાની તક મળી છે.