Get The App

રાહુલને મળવા આવેલા ખેડૂત નેતાઓને સંસદમાં પ્રવેશતા અટકાવાતા હોબાળો

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
રાહુલને મળવા આવેલા ખેડૂત નેતાઓને સંસદમાં પ્રવેશતા અટકાવાતા હોબાળો 1 - image


- છ રાજ્યોના ખેડૂત નેતાઓને રાહુલે મુલાકાત માટે સંસદ ભવન બોલાવ્યા હતા

- સરકાર ખેડૂતોને સંસદમાં જોવા નથી માગતી માટે તેમને પ્રવેશતા અટકાવાયા : રાહુલ, વિવાદ બાદ અંતે પ્રવેશ મળ્યો

- ટેકાના ભાવ માટે કાયદો ખેડૂતોનો અધિકાર, જે ઇન્ડિયા ગઠબંધન અપાવીને જ રહેશે : બેઠક બાદ કોંગ્રેસ નેતા

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ અનેક ખેડૂત નેતાઓને મુલાકાત માટે સંસદમાં બોલાવ્યા હતા. જેને પગલે આ ખેડૂત નેતાઓ દિલ્હીમાં સંસદ ભવન પહોંચ્યા હતા, જોકે તેમને સંસદમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ લોકો ખેડૂત નેતાઓને સંસદમાં પ્રવેશવા નથી દેતા, કદાચ આ ખેડૂતો છે માટે તેમને સંસદમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે.

સંસદ ભવન બહાર રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સંસદમાં પ્રવેશતા અટકાવાઇ રહ્યા છે, કદાચ સરકાર ખેડૂતોને સંસદની અંદર જોવા નથી માગતી. રાહુલ ગાંધીએ આ મુદ્દે વાંધો ઉઠાવતા બાદમાં ખેડૂત નેતાઓને સંસદ ભવનમાં પ્રવેશવા દેવાયા હતા. હવે સંસદ ભવનમાં રાહુલ ગાંધીને ફાળવાયેલા દફ્તરમાં નેતાઓ મુલાકાત કરશે. આ દફ્તર તેમને વિપક્ષના નેતા તરીકે આપવામાં આવ્યું છે. ખેડૂત નેતાઓને એન્ટ્રી ના મળવા અંગે મીડિયાના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આનો જવાબ તો તમને નરેન્દ્ર મોદી જ આપશે. કેટલાક રાજ્યોના ખેડૂતો ઘણા સમયથી ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ખેડૂત નેતાઓની સાથે વાતચીત કર્યા બાદ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ખેડૂતોના પાક માટે ટેકાના ભાવ અંગે કાયદો ઘડવા કેન્દ્ર સરકાર પર દબાણ કરશે. રાહુલ ગાંધીને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટકના ખેડૂત નેતાઓ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન ટેકાના ભાવનો કાયદો ઘડવા પર ચર્ચા થઇ હતી, રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અમે ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવાનુ વચન આપ્યું છે. અમે આ મુદ્દે બેઠક યોજી છે હવે આગામી દિવસોમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની સાથે ટેકાના ભાવ મુદ્દે ચર્ચા કરાશે અને તેને કાયદેસર માન્યતા મળે તે માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધારવામાં આવશે. ટેકાના ભાવને કાયદેસર માન્યતા એ ખેડૂતોનો અધિકાર છે અને આ અધિકાર ઇન્ડિયા ગઠબંધન અપાવીને જ રહેશે. ખેડૂત નેતાઓ સાથેની આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ પણ સામેલ થયા હતા.


Google NewsGoogle News