VIDEO : ડલ્લેવાલની કસ્ટડી બાદ શંભૂ-ખનૌજ બોર્ડર પર ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ, 200 ખેડૂતોની અટકાયત, 3000 જવાનો તહેનાત
Farmer leader Jagjit Singh Dallewal taken into custody by police: પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શંભુ અને ખનૌજ બોર્ડર પર સ્થિતિ વણસી ગઈ છે. ડલ્લેવાલ સાથે સરવન સિંહ પાંધેર, અભિમન્યુ કોહાડ, કાકા સિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સરકારે શંભુ અને ખાનૌરી બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડુતોને હટાવવાની કામગીરી શરુ કરવાની સાથે 200થી વધુ ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે. બંને બોર્ડર પર 3000થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ત્યાં તંબુ સહિતનો સામાન હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવાઈ છે. જેસીપી દ્વારા સ્થળ પરથી અનેક તંબુઓ તોડી પાડવામાં આવ્યા છે. આ દરેક નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે.
બંને બોર્ડર પર લગભગ 3000 પોલીસકર્મી તહેનાત કરાયા
પંજાબ પોલીસે બુધવારે ખેડુત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ અને સરવન સિંહ પંઢેરની મોહાલીમાં કસ્ટડીમાં લીધા બાદ ખેડૂતો અને પોલીસ જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન 200થી વધુ ખેડૂતોને ત્યાંથી ઉઠાવી જઈ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. માહિતી પ્રમાણે શંભુ અને ખનૌજ બોર્ડર બંને સ્થાનો પર લગભગ 3000 પોલીસકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. હાલ બંને બોર્ડર પરના તમામ મંચો, તંબુઓ સહિતનો સામાન હટાવવામાં આવી રહ્યો છે.
પોલીસે ખનૌજ બોર્ડર પર 200 ખેડુતોને કસ્ટડીમાં લીધા
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખનૌજ બોર્ડર પર 200 ખેડુતોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે શંભુ બોર્ડર પરથી 300 ખેડુતો ઉપસ્થિત છે, તેમને પણ જલ્દીથી કસ્ટડીમાં લેવામાં આવી શકે છે. ખેડુતો અને પોલીસ વચ્ચે અથડામણ બાદ ખનૌજ બોર્ડરની આસપાસના સંગરુર અને પટિયાલા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પંજાબના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે થઈ હતી વાતચીત
હકીકતમાં બુધવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત થઈ હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પંજાબ સરકાર વતી નાણામંત્રી હરપાલ સિંહ ચીમા અને કૃષિમંત્રી ગુરમીત સિંહ ખુદિયાન બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની કાનૂની ગેરંટી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય જેવી માંગણીઓનો સમાવેશ કરવામાં આવે છે. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે, 'ખેડુતનેતાઓ સાથે થયેલી ચર્ચા સકારાત્મક રહી છે અને આગામી બેઠક 4 મેના રોજ થશે.'
કોઈ નક્કર સમાધાનની આશા: ખેડૂતો
ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે, 'ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓનો નક્કર ઉકેલ લાવશે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચા (કેએમએમ) ના 28 સભ્યોના પ્રતિનિધિમંડળે બેઠકમાં ભાગ લીધો હતો. આ પહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ એમ્બ્યુલન્સમાં બેસીને સ્થળ પર પહોંચ્યા હતા. ડલ્લેવાલે કહ્યું કે, 'હું સરકાર પાસેથી MSPની કાનૂની ગેરંટી માટે સંતોષકારક જવાબની આશા રાખુ છું.'
MSP પર પહેલાથી જ થઈ ચૂકી છે ચર્ચા
આ પહેલા 22 ફેબ્રુઆરીના રોજ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટો થઈ હતી, જેમાં સરકારે MSP પર કાનૂની ગેરંટીની માંગના સમર્થનમાં ખેડૂતો પાસેથી ડેટા માંગ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું કે, તેના માટે દર વર્ષે લગભગ 25,000 થી 30,000 કરોડ રૂપિયાનું બજેટ જોઈએ.
ખેડૂતોનું કહેવું છે કે, અમારી અન્ય માંગણીઓમાં 2020-21ના ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર, જમીન સંપાદન કાયદો 2013 પુનઃસ્થાપિત કરવો અને લખીમપુર ખેરી હિંસાના ગુનેગારોને સજા આપવાની માંગણીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે.... જયશંકરનું નિવેદન ચર્ચામાં
13 ફેબ્રુ 2024થી શંભુ -ખાનૌરી બોર્ડર પર ખેડૂતોએ ધામા નાખ્યા
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોએ 13 ફેબ્રુઆરી 2024 ના રોજ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ પોલીસે તેમને પંજાબ-હરિયાણા બોર્ડર પર રોકી દીધા હતા. ત્યારથી ખેડૂતો શંભુ અને ખાનૌરી બોર્ડર પર ધામા નાખીને બેઠા છે અને પોતાની માંગણીઓને લઈને સતત વિરોધ આંદોલન કરી રહ્યા છે.