મધ્ય પ્રદેશના પન્નામાં ખેડૂતને 7 કેરેટનો હીરો મળી આવ્યો
- ખેતરમાં ડાયમંડ માઈનિંગ શરૂ કર્યું હતું
- હીરાની અંદાજિત કિંમત રૂ. ૨૦ લાખ છે, તેની ૪ ડિસેમ્બરના રોજ હરાજી કરાશે
ઈન્દોર: મધ્ય પ્રદેશનો પન્ના જિલ્લો તેની હીરાના ખાણોને કારણે પ્રખ્યાત છે. આ વિસ્તારના એક ખેડૂતના નસીબ ચમક્યા છે. તેને અને તેના સાથીને ખેતરમાં ડાયમંડ માઈનિંગ શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં ૧૨ કિંમતી હીરા મળી આવ્યા છે. એક રિપોર્ટ મુજબ, ખેડૂત દિલીપ મિસ્ત્રી અને તેના સાથીને ૭ કેરેટ ૪૪ સેન્ટનો હીરો મળી આવ્યો છે. આ હીરાની અંદાજિત કિંમત રૂ. ૨૦ લાખ છે. તેની ૪ ડિસેમ્બરના રોજ હરાજી કરવામાં આવશે. ખેડૂતે જણાવ્યું કે, તેણે લોકડાઉન દરમિયાન પોતાના ખેતરમાં પટ્ટો બનાવીને હીરાનું માઈનિંગ શરૂ કર્યું હતું.
જે બાદ તેમને અને તેમના મિત્રને એક ડઝનથી પણ વધારે હીરા મળી ચૂક્યા છે. હાલમાં મળેલો હીરો આ વર્ષનો બીજો સૌથી મોટો હીરો છે. આ પહેલા તેમને ૧૬ કેરેટનો હીરો મળ્યો હતો. જેને ડાયમંડ માઈનિંગ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો હતો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, આ હીરાનો આકાર, ગુણવત્તા અને ચમક ઉત્તમ છે.